નવાગામના લાપતા યુવાનની લોહીલુહાણ લાશ મળી
જામનગરમાં રહેતા મૂળ કાલાવડ તાલુકાના નવાગામનો યુવાન ઘરેથી સવારે નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો હતો. જેનો લાલપુર તાલુકાના પેપર ટોળા ગામેં આવેલ નદીના કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નદીના કાંઠેથી યુવાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર પણ દોડ્યું હતું. હત્યાની આશંકાને પગલે યુવાનના મોતનું કારણ જાણવાની દિશામાં તપાસના ધમધમાટ શરૂૂ કર્યો છે. નોંધનીય છે કે આ યુવાન જામનગરમાં બ્રાસ પાર્ટના ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મોત મામલે લાલપુર પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર લાલપુર તાલુકાના પેપરટોડા ગામે આવેલ નદીના કાંઠેથી ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક લાલપુર પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઈને પીએસઆઇ એસ.પી.ગોહિલ તેમજ એએસઆઈ કે.કે. ચાવડા સહિતનો લાલપુર પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહનો કબજો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતક યુવાન મૂળ કાલાવડ તાલુકાના નવાગામ અને હાલ જામનગરના કીર્તિ પાનની પાછળ આવેલ વ્રજ સોસાયટીમાં રહેતા અને જામનગરમાં બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઈ સાવલિયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે દિનેશભાઈ સાવલિયા ગઈકાલે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા થયા હતા. બીજી તરફ લોહી લુહાણ હાલતમાં યુવાનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાની આશંકાને પગલે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા બાદ હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યા કે આત્મહત્યા? તે મામલે સત્તાવાર વિગતો સામે આવી શકે છે. હાલ લાલપુર પોલીસે શંકાસ્પદ મોત મામલે નોંધ કરી જુદી જુદી દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.
ગુલાબનગરમાં યુવાનનો મોબાઇલ ચોરાયો
સુરેન્દ્રનગર માં મારુતિનંદન સોસાયટીમાં રહેતો જીગ્નેશ રમેશભાઈ ડોડીયા નામનો 20 વર્ષનો યુવાન જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં પોતાના મામાના લગ્ન પ્રસંગમાં આવ્યો હતો અને પોતાનો મોબાઈલ ફોન કારમાં ચાર્જ કરવા માટે રાખ્યો હતો. જે દરમિયાન કોઈ તસ્કરોએ તેના મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે મોબાઈલ ફોનની ચોરી અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.