નવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોત
નવાગામમાં રહેતો 22 વર્ષીય યુવાન ઈમિટેશનમાં ઉપયોગમાં લેવાતાં બાટલામાં હવા ભરતો હતો તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી ગઈ હતી.યુવાનને સારવાર મળે તે પહેલાં જ યુવાને દમ તોડતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ પણ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, નવાગામમાં આવેલ દિવેલીયાપરામાં રહેતો રોહિત રમેશભાઈ ડાભી (ઉ.વ.22) ગઈકાલે રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ તેમના કુટુંબી ભાઈ સાથે ઇમિટેશનમાં ઉપયોગમાં લેવાતી વોક્સની ટાંકીમાં હવા ભરવા માટે કુવાડવા ગામ નજીક આવેલ ભગીરથ પેટ્રોલ પંપ પાસેની પંચરની દુકાન પર ગયો હતો. જ્યાં પોતે ટાંકીમાં હવા ભરતો હતો ત્યારે અચાનક જ ટાંકીનો નીચેનો ભાગ ફાટતાંની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો અને ટાંકીના ટુકડા યુવાનના મોઢા પર લાગતાં તેમનું મોઢું છૂંદાઈ ગયું હતું. યુવાનને અંદરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
જે બાદ તેના કુટુંબી ભાઈ અને પંચરની દુકાન વાળાએ તુરંત જ 108 ને જાણ કરતા દોડી આવેલ 108 ની ટીમે તુરંત યુવાનને કુવાડવા સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં હાજર ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.જી.અગ્રવાત સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન ઇમિટેશનનું કામ કરતો હતો અને તે પોતે જ પંચરની દુકાને જઈ હવા ભરતો હતો ત્યારે ટાંકીમાં હવા વધી જતાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તરણ છે. મૃતક અપરિણીત અને ચાર ભાઈ બહેનમાં વચ્ચેટ હતો. બનાવથી પરીવારમાં શોક છવાયો હતો.