પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
બે દિવસ ટિકિટ દાવેદારોને રૂબરૂ મળશે, 30મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દેતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને તેજ બનાવી છે. ભાજપે આ ચૂંટણીઓ માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે અને આજથી બે દિવસ સંબંધિત નિરીક્ષકાએે સ્થાનિક સંસ્થા વિસ્તારમાં જઇ દાવેદારો, પદાધિકારીઓને મળીને સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે.
નિરીક્ષકો સમક્ષ આવેલા દાવા અને રજૂઆતોના આધારે 3થી 5 ઉમેદવારોની પેનલો તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હાજર આપીને પરત ફરશે એ પછી 29 કે 30 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલો અંગે ચર્ચા થશે અને સંભવત: એના પછી એકાદ બે દિવસમાં જ ઉમેદવારોની તબક્કાવાર જાહેરાત કરવામાં આવશે.
સ્થાનિક ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ 1 ફેબ્રુઆરી છે અને 3 ફેબ્રુઆરી ફોર્મ ચકાસણી, 4થીએ ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે.66 પાલિકા પૈકી 42 પાલિકામાં ભાજપ અને બાકીનામાં કોંગ્રેસ તથા અન્ય પાસે સત્તા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ સત્તારૂૂઢ છે.
આ ચૂંટણી માટે સત્તાના સમીકરણ ગોઠવવા માટે ભાજપ અને વિપક્ષ બન્ને પાસે સમય ઘણો ઓછો છે એમાંય ભાજપમાં આંતરિક સંગઠનના નવા પ્રમુખોની જાહેરાત અગમ્ય કારણોસર પાછી ઠેલવામાં આવી છે એટલે વર્તમાન અને સંભવિતોએ પોતાની તાકાત બતાવીને સત્તા અપાવવા દોડવાનું રહેશે.
આ જ રીતે ઉમેદવારોની પસંદગીને લઇ ભાજપે હજુ સત્તાવાર કોઇ નિયમ સ્પષ્ટ કર્યો નથી, પણ અગાઉ સ્થાનિક ચૂંટણી વખતે ઉંમર તથા બે ટર્મથી વધુ ચૂંટાનારને બાકાત રાખવામાં આવ્યા હતા એ નિયમ ફરીથી લાગુ થશે કે કેમ એ જોવાનુ રહેશે.