જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક
60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી મેળવી ભાજપે વિજયની હેટ્રીક ફટકારી છે. જો કે, ભાજપ માટે આ ચૂંટણી ‘ગઢ આલા પર શેર ગેલા’ જેવી સાબિત થઇ છે. ભાજપના કદાવર નેતા અને 6 વખત ડેપ્યુટી મેયર રહેલા ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી હારી જતા મોટો અપસેટ સર્જાયો છે.
જૂનાગઢ મહાનગર પાલિકાની 15 વોર્ડની 60 બેઠકની ચૂંટણીમાં પહેલા જ ભાજપે આઠ બેઠક બિનહરિફ મેળવી લીધી હતી. જયારે બાકીની 52 બેઠકોની યોજાયેલ ચૂંટણીના આજે પરિણામો આવી જતા ભાજપે કુલ 48 બેઠકો જીતી ત્રીજી વખત સતાની હેટ્રીક મારી છે. કોંગ્રેસને 11 બેઠકો મળી છે અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટાયા છે.
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલેથી જ નિરસ રહી હતી. અને માત્ર 44.32 ટકા જ મતદાન થયુ હતુ. 8 બેઠકો ભાજપે બિનહરિફ મેળવ્યા બાદ બાકીની 52 બેઠકો ઉપર 165 ઉમેદવારો મેદાનમાં હતા.
આજે 14 રાઉન્ડમાં મતગણતરી થઇ હતી તેમાં સૌથી મોટો રાજકિય ઉલટફેર વોર્ડ નં.9માં થયો હતો. ભાજપના ઉમેદવાર પાર્થ કોટેચા ચૂંટણી હારી ગયા હતા જયારે તેની સાથેના ભાજપના અન્ય ત્રણ ઉમેદવાર ચૂંટાઇ ગયા હતા આ વોર્ડમાં ક્રોસ વોટિંગનો લાભ અપક્ષ અશ્ર્વિન ભારાઇને મળ્યો હતો અને તેને વિજેતા જાહેર કરાયા હતા.
જૂનાગઢ કોર્પોરેશનના અમૂક વોર્ડમાં પેનલ ટુ પેનલ મતદાન નીકળ્યુ હતુ તો અમૂક વોર્ડમાં ક્રોસ વોટિંગ જોવા મળ્યુ હતુ. વોર્ડ નં.3માં અને વોર્ડ નં.14માં 8 બેઠકો ભાજપને બિનહરિફ મળ્યા બાદ વોર્ડ નં. 1, 2, 5, 7, 9, 10, 11, 12 અને 13માં ભાજપની આખી પેનલ વિજેતા બની છે.જયારે વોર્ડ નં.8 અને વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ હતી. બાકીના વોર્ડમાં ક્રોસ વોટિંગ જોવા મળ્યુ હતુ.
કમલેશ મિરાણીનો દબદબો વધ્યો
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ફરી એક વખત વિજય વાવટો ફરકતા જૂનાગઢના ચૂંટણી પ્રભારી કમલેશ મિરાણીનો દબદબો વધ્યો છે. રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીને ભાજપે જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીની જવાબદારી સોંપી હતી તેમાં મિરાણીએ ચૂંટણી પહેલા જ 9 બેઠકો બિનહરિફ મેળવવામાં સફળતા મેળવી હતી. કુલ 60 બેઠકમાંથી ભાજપને 48 બેઠકો મળી છે.
કોંગ્રેસ ઉમેદવારના વિજય સરઘસમાં પથ્થરમારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.