ભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજર
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સતાધારી પક્ષ ભાજપમા આંતરિક વિખવાદ વધુ વકરી રહયો છે . જન્માષ્ટમીની શોભાયાત્રાથી આખુ ભાજપ દૂર રહયા બાદ આજે કિશાનપરા ચોકમા ભાજપ આયોજિત ગણેશ મહોત્સવનાં પ્રારંભે જ ગણેશ ઉંધા બેઠા હોય તેમ ગણપતિ સ્થાપન સમયે ભાજપનાં 68 માંથી 30 કોર્પોરેટરો ગેરહાજર રહેતા અને કાર્યકરોની હાજરી પણ ખૂબ પાંખી દેખાતા સ્થાનિક રાજકારણમા ભારે ચર્ચા જાગી છે.
વર્ષોથી યોજાતા આ કાર્યક્રમમા પધારવા માટે કોર્પોરેટરોને સૂચના કે , આમંત્રણ જ અપાયા નહી હોવાની વાત બહાર આવી છે જો કે , શહેર ભાજપ પ્રમુખ સહિતનાં હોદેદારોએ પોત પોતાની રીતે બચાવ કર્યો હતો. અને ખૂલાસો પુછવાની વાત કરી હતી.
મળતી વિગતો મુજબ આ કાર્યક્રમ દરમિયાન કેટલાક મુખ્ય નેતાઓ અને કોર્પોરેટરોની ગેરહાજરીને લઈને આંતરિક ભેદભાવની ચર્ચાઓ શહેરના રાજકીય વર્તુળમાં જોર પકડતી જોવા મળી રહી છે. આ તરફ અનેક વોર્ડના કોર્પોરેટરો પણ હાજર ન હોવાથી કાર્યકરોમાં ઉદાસીનતા જોવા મળી આ સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ન આવતા કાર્યકરોમાં અનેક ચર્ચા જાગી છે.
ધારાસભ્ય ઉદય કાનગડ આપતા નિવેદનમાં જૂથવાદની વાતોને નકારી દીધી અને કહ્યું કે, કોઈ જૂથવાદ નથી. અરવિંદભાઈ રૈયાણી પણ ધારાસભ્ય અને મંત્રી રહ્યા છે. બનતું હોય કે પોતાના વિસ્તારમાં ગણપતિ સ્થાપનને લઈ નહીં આવી શક્યા હોય. આ સાથે મંત્રીમંડળ અંગે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ નિર્ણય પ્રદેશ મંડળ લેવે છે. ધારાસભ્યે આ પર બોલવું યોગ્ય નથી.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ જૂથવાદ અંગે કડક પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, હું માનું છું ત્યાં સુધી ભાજપમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી. તમામ કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને ગઈકાલે જ કાર્યક્રમ અંગે જાણ કરવામાં આવી હતી. જે આવ્યા નથી તેમને પુછપરછ કરાશે.
આ તરફ મળતી માહિતી મુજબ કેટલાક કાર્યકરોને કાર્યક્રમ અંગે ટેલિફોનિક જાણ ન કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ન આવતા ચર્ચાઓ ઊભી થઈ હતી.