For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાની પાંચેય પાલિકામાં ભાજપનો વિજય વાવટો

04:50 PM Feb 18, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લાની પાંચેય પાલિકામાં ભાજપનો વિજય વાવટો

જેતપુર, જસદણ, ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, ઉપલેટામાં ઓવૈસીના ઉમેદવાર ચૂંટાયા

Advertisement

રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ જેતપુર-જસદણ-ધોરાજી-ભાયાવદર અને ઉપલેટાના આજે પરિણામો આવી જતાં તમામ પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો કેસરિયો છવાયો છે અને પાંચેય નગરપાલિકામાં ફરી એકવખત ભાજપનું શાસન આવે તેવી બહુમતિ મળી છે. જો કે, ઉપલેટામાં પ્રથમ વખત ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવાર વિજેતા થયા છે. કોંગ્રેસને ફરી એક વખત નિરાશા હાથ લાગી છે.

જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં 44માંથી 42 બેઠકો ઉપર જ ભાજપ ચૂંટણી લડતું હોવા છતાં 32 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. જ્યારે 11 અપક્ષો ચૂટાયા છે અને કોંગ્રેસને સમખાવા પુરતી માત્ર એક બેઠક મળી છે. આજ રીતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના મત વિસ્તાર જસદણ નગરપાલિકામાં 28 બેઠકોમાંથી ભાજપને 22 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલ છે.

Advertisement

ભાયાવદર નગરપાલિકામાં પણ ભાજપનો વિજય વાવટો ફરક્યો છે. કુલ 24 બેઠકોમાંથી ભાજપને 15 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે. આજ રીતે ઉપલેટા નગરપાલિકામાં 36 બેઠકમાંથી ભાજપને 27, કોંગ્રેસને 6 અને ત્રણ બેઠકો અપક્ષને મળી છે. ઉપલેટામાં ભાજપને ચૂંટણી પહેલા જ પાંચ બેઠકો બીનહરીફ મળી હતી. જ્યારે બાકીની 31 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 22 ઉમેદવારો ચૂંટાયા છે.

ધોરાજી નગરપાલિકામાં શાસન પલ્ટો આવ્યા જેવી સ્થિતિ સર્જાયેલ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીત વસોયાના વિસ્તાર ધોરાજી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપને 24 બેઠકો અને કોંગ્રેસને 12 બેઠકો મળી છે.

આજે સવારે પાંચેય નગરપાલિકાઓની મતગણતરી અલગ અલગ સ્થળે હાથ ધરવામાં આવી હતી. પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થતાં વિજેતા ઉમેદવારોના વિજય સર્ઘષ નિકળ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement