For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપે પત્તા ખોલ્યા: નડ્ડા, ધોળકિયા સહિત ચાર નામ જાહેર

05:19 PM Feb 14, 2024 IST | Bhumika
ભાજપે પત્તા ખોલ્યા  નડ્ડા  ધોળકિયા સહિત ચાર નામ જાહેર

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોના ઉમેદવારોના સસ્પેન્સનો અંત આવ્યો છે. અને ભાજપે આજે બપોરે સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી દેતા આશ્ર્ચર્ય જનક નામો સામે આવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના બે કદાવર પાટીદાર નેતા કમ કેબીનેટ મંત્રીઓ પરસોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી. ધારણા મુજબ તેમને લોકસભાની ચુટણી લડાવવામાં આવે તેવી શક્યતા હવે વધી ગઈ છે.
ભાજપે આજે ગુજરાતના રાજ્યસભાના ચાર ઉમેદવારોની સત્તાવાર યાદી બહાર પાડી છે. તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને ગુજરાતમાંથી કેન્દ્રમાં લઈ જવામાં આવનાર છે. આ સિવાય સુરતના ટોચના ઉદ્યોગપતિ પદ્મશ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઉપરાંત મયંક નાયક અને જશવંતસિંહ પરમારને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. આવતી કાલે ઉમેદવારી પત્રકો ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આ ભાજપના ચારેય ઉમેદવારો વિધિવત ઉમેદવારી નોંધાવશે. અને મહદઅંશે ચારેય ઉમેદવારો બિનહરીફ ચુંટાય તેવી શક્યતા વધુ છે. કોંગ્રેસ રાજ્યસભાની ચુંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખશે નહીં તેવી અગાઉ જ પાર્ટીએ જાહેરાત કરી દીધી છે.

Advertisement

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે અનેક નામોની ચર્ચા થતી હતી પરંતુ ભાજપે આશ્ર્ચર્યજનક નામોની પસંદગી કરી છે. અને વિવિધ ક્ષેત્રમાંથી મોટુ યોગદાન આપનારા મહાનુભાવોની પસંદગી કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા હવે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે સંસદમાં એન્ટ્રી કરશે જ્યારે પદ્મશ્રી ગોવિંદભાઈ ધોળકિયા કે જેનું સામાજીક અને ઓદ્યોગિક ક્ષેત્રે મોટુ યોગદાન છે. તેમની પણ પસંદગી થતાં સુરતની લોબીમાં આનંદની લાગણી છવાયેલ છે.

ગુજરાતમાંથી રાજ્યસભામાં જઈ કેબીનેટમાં સ્થાન મેળવનાર આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા અને કૃષિમંત્રી પરસોતમભાઈ રૂપાલાને રિપીટ નહીં કરવામાં આવતા હવે બન્ને નેતાઓને લોકસભાની ચુંટણી લડાવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. મનસુખભાઈ માંડવિયાને ભાનવગરથી લડાવવાનું નિશ્ર્ચિત માનવામાં આવે છે. જ્યારે પરસોતમભાઈ રૂપાલાને રાજકોટથી લોકસભા લડાવવામાં આવે અથવા તો સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ભાજપના બે કદાવર પાટીદાર નેતાઓ રાજ્યસભામાં રિપિટ નહીં થતાં આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં મોટી ઉથલ-પાથલ સર્જાય તેવા નિર્દેશો ફરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement