ટ્રેન ઉથલાવવાના કાવતરામાં કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડતા ભાજપના ધારાસભ્ય ટુંડિયા
બોટાદ જિલ્લાના કુંડલી ગામ નજીક બે દિવસ પહેલા રેલવે ટ્રેક ઉપર લોખંડનો ટુકડો મુકી પેસેન્જર ટે્રન ઉથલાવવાનું કાવતરૂ ઝડપાયા બાદ હજુ સુધી પોલીસ આ કાવતરાના આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ ગઇ છે. ત્યારે સરકારની નિષ્ફળતા છૂપાવવા ભાજપના ધારાસભ્યએ ટ્રેન ઉથલાવવાના કાવતરાનું ઠીકરૂ કોંગે્રસ ઉપર ફોડ્યું છે અને કોંગે્રસ રેલવેને બદનામ કરવા ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કર્યાનો આક્ષેપ કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાની ઘટનાને લઈને ગઢડાના ધારાસભ્ય અને ભાજપના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શંભુનાથજી ટૂંડિયાએ ટ્રેન ઉથલાવવાનુ ષડયંત્ર કોંગ્રેસનું હોવાના આક્ષેપો કર્યા હતા.
ગત 25 સપ્ટેમ્બરે બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રીના ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હતો. જે ઘટનાને ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ વખોડી હતી અને ટ્રેન ઉથલાવવાનુ ષડયંત્ર કોંગ્રેસનું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે પશ્ચિમ બંગાળ, કર્ણાટક તેમજ આંધ્રપ્રદેશમાં પણ આવા ષડયંત્ર કર્યા છે અને પકડાયા છે. તેમજ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસ રેલ્વે ડિપાર્ટમેન્ટને બદનામ કરવા માટેના પ્રયાસો કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ રેલ્વેને અધધ સુવિધાઓથી સજ્જ કરેલ છે. જે કોંગ્રેસને ઈર્ષા થાય છે જેથી આવા ષડયંત્ર રચે છે.
માત્ર ગુજરાતમાં નહિ, ગુજરાત સુરત હોય કે બોટાદનું કુંડલી હોય તેતો એક સૂચક છે. પરંતુ આ સીવાય દેશભરમાં ખુબ મોટા ષડયંત્રો રેલ્વે વિભાગમાં ચાલે છે અને એન આઈએ એજન્સી આની ઉંડાણપૂર્વક તપાસ ચલાવે છે. અને આવા જે તત્વો છે તે ખુલ્લા પડે અને એમને સજા પડે એવી અમારી રજૂઆતો છે. તેમ ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ જણાવ્યું હતું.