નીતિન પટેલ સામે ભાજપના જ MLA કરશન સોલંકીએ ખોલ્યો મોરચો
- કડી નગરપાલિકામાં નીતિનભાઇએ કાંઇ નથી કર્યુ, જે કર્યુ તે ભાજપ સરકારે કર્યુ છે!
કડી નગરપાલિકાના પ્રમુખની વરણીને લઈ નીતિન પટેલે મંગળવારે કડીના ધારાસભ્ય કરશન સોંલંકી પર આડકતરો પ્રહાર કર્યો હતો. જેની સામે કરશન સોલંકીએ વળતી પ્રતિક્રિયા આપી છે. નગરપાલિકામાં પ્રમુખની વરણીને લઈ વાત કરતા નીતિન પટેલે કડીના નેતાઓ પર પ્રહારો કર્યા હતા. જેમાં નીતિન પટેલે તો ક્યાંય ધારાસભ્ય કરશન સોલંકીનું નામ નહોતું લીધું. પણ કરશન સોલંકીએ તો નીતિન પટેલના નામ સાથે જ વળતો પ્રહાર કરી દીધો. કરશન સોલંકીએ કહ્યું કે, મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી. મને 19 લોકોએ સહી કરીને આપી હતી કે, આ બહેન ચાલે નહીં એટલે મેં રજૂઆત કરી હતી. હું તો નીતિનભાઈને પગે લાગું છું, તે મારી સામે જોતા નથી એટલે મેં પણ બોલાવવાનું બંધ કરી દીધું છે. નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી હતી ત્યારે રજૂઆત કરી ત્યારથી રિસાઈ ગયા છે.
મહેસાણાના કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મંગળવારે પૂર્વ મંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. નીતિન પટેલે કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીના મુદ્દાને લઈ કડી ભાજપના નેતાઓ પર નામ લીધા વિના પ્રહાર કર્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે, મેં ભરતને મદદ કરવા માટે કહ્યું હતું. તો મને કહ્યું કે, ભરત ન ચાલે. ભાઈ ભરત ન ચાલે તો કોણ ચાલે. તમે આજકાલના આવેલા, કડીની તમને કંઈ ખબર નથી. કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને ક્યાં ન ચાલે તેનું હું અભિમાન નથી કરતો પણ મારા જેટલી કોઈને ખબર નહીં હોય.
નીતિન પટેલના નિવેદન બાદ કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ નીતિન પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે, કડીમાં ભાજપના બે જૂથ છે જ નહીં અમે સાથે રહી ચાલીયે છીએ એ નીતિન ભાઈ જાણે છે.નીતિન ભાઈ જાણતા હોય કે બે જૂથ છે તો એ એમને ખબર. મેં કોઈને શિખામણ આપી નથી હું શીખી બેઠેલો છું.1985 થી ભાજપમાં છુ અને ભાજપમાં રહેવાનો છું.
નીતિન ભાઈ જે બોલે છે મેં કર્યું. મેં કર્યું એ ભાજપની સરકારે કર્યું છે. નગરપાલિકામાં જે કર્યું એ ભાજપની સરકારે કર્યું છે.હું તો નીતિન ભાઈને પગે લાગુ છું પણ સામું પણ જોતા નથી. અમારી સામે ના જોવે તો અમે એમને બોલવાનું બંધ કર્યું. હું નથી બોલાવતો નીતિન ભાઈને. કડી નગરપાલિકાની રજુઆત કરી ત્યારના બે મહિનાથી નીતિન ભાઈ નથી બોલતા.પાલિકા પ્રમુખની ચૂંટણી દરમિયાન રજુઆત કરી ત્યારના નીતિન ભાઈ રિસાઈ ગયા છે. મને નીતિન ભાઈએ જ ચૂંટણી લડવા ટિકિટ અપાવી હતી.પણ હવે નીતિનભાઈ જ બોલતા નથી.