જિલ્લા પંચાયતની તા.21મીએ મળનારી સામાન્ય સભામાં ભાજપે રોડ-રસ્તાના પ્રશ્ર્ન જ મૂક્યા નહીં
ગુજરાતમાં લોકોની સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાથી છે છાશવારે લોકો આંદોલન અને ચક્કાજામ કરી રહ્યા છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મગરની પીઠ સમાન રસ્તાઓ થઇ ગયા છે અને નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આગામી તા.21મીએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળનાર છે. પરંતુ ભાજપના એક પણ સભ્યને પોતાના વિસ્તારમાં એક પણ ખાડો દેખાયો નથી. ભાજપના સભ્યોએ એક પણ પ્રશ્ર્ન ખાડાનો મૂક્યો નથી.
સામાન્ય સભા 21મીએ મળશે, પરંતુ અત્યારથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે. સભામાં એક કલાકનો પ્રશ્નોત્તરીનો સમય હોય છે. સભ્યોએ એક સપ્તાહ પહેલાં પ્રશ્નો સોંપવાના હોય છે. હાલ પ્રશ્ન આપવાની મુદત પૂરી થઇ ગઈ છે. કુલ જે પ્રશ્નો આવ્યા છે તેમાં ભાજપના ચાર સભ્યના 25 અને કોંગ્રેસના એક સભ્યના 20 પ્રશ્ન આવ્યા છે. હાલ લોકો જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેના એક પણ પ્રશ્ન નહિ પૂછાતા આ મુદ્દો પણ અત્યારથી જ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
એક બાજુ લોકો ખરાબ રોડ-રસ્તાને લઇને ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે ત્યારે ભાજપના ચાર સભ્યના પ્રશ્નોમાં સોલાર રૂૂફટોપ, આંગણવાડી, સ્વભંડોળ પેન્ડિંગ કામો, ગ્રામપંચાયતોના તમામ નિર્માણ, શિક્ષણ, આરોગ્યના મુદ્દાનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં હાલમાં ભાજપની જ સત્તા છે. પાંચ વર્ષ પૂર્વે ચૂંટણીમાં 36માંથી 24 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના 12 સભ્ય હતા.જેમાંથી 6 સભ્ય ભાજપ તરફી થઈ ગયા હતા.
કોંગ્રેસના માત્ર 6 જ સભ્ય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં રસ્તા ધોવાઈ જતા તેમજ રોડ પર પડેલા મસમોટાં ખાડાને કારણે સતત અકસ્માતનો ભય સતાવે છે. તો રાજકોટ- જેતપુર હાઈવે પર બનતા બ્રિજને કારણે, સર્વિસ રોડ યોગ્ય નહિ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે ભાજપના એક પણ સભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો નથી. ત્યારે આ મુદ્દાને લઇને સામાન્ય સભામાં તડાપીટ બોલે તેવી સંભાવના પણ વર્તાઈ રહી છે. શહેર હોય કે જિલ્લાના ગામડા પરંતુ સતામાં બેઠેલા નેતાઓ પ્રજાના પ્રશ્નો પૂછવાના બદલે પોતે જે ધાર્યુ હોય તેવા જ પ્રશ્નો પૂછીને લોકોને અન્યાય કરી રહ્યા છે.