ભાજપનો વિખવાદ, પાટડી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનનું રાજીનામું
પાટડી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નં-1ના મહિલા સભ્યએ ભાજપના આગેવાનની કાર્ય પધ્ધતિથી નારાજ થઈ અચાનક રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ, પાટડી પ્રાંત કલેકટર અને ચીફ ઓફિસરને લેખિત રાજીનામુ ધરી દેતા ભાજપની આંતરિક રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. અગાઉ પણ પાટડી નગરપાલિકાના વોર્ડ નં-6ના સભ્યએ પણ પાટડી નગરપાલિકામાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ પક્ષમા જોડાઈ ગયા હતા.
પાટડી નગરપાલિકાની છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં તમામ છએ વોર્ડના 24 સભ્યો ભાજપના ચૂંટાયા હતા. પરંતુ આજથી અઢી માસ અગાઉ પાટડી વોર્ડ નં-6ના સભ્ય મહેન્દ્ર કાનજીભાઈ રાઠોડે અચાનક રાજીનામુ આપી દીધું હતું અને બાદમાં તેઓ કોંગ્રેસ પક્ષમા જોડાઈ ગયા હતા. આ ઘટના હજી તાજી છે, ત્યાં આજે પાટડી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નં-1ના મહિલા સભ્ય ચંદ્રિકાબેન ધીરુભાઈ પાટડીયાએ અચાનક પાટડી નગરપાલિકાના સભ્યપદેથી અને હોદા પરથી અચાનક રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જેમાં પાટડી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નં-1ના મહિલા સભ્ય ચંદ્રિકાબેન ધીરુભાઈ પાટડીયાએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ રાઠોડ, પાટડી પ્રાંત કલેકટર જયંતસિંહ રાઠોડ અને પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલને લેખિત રાજીનામુ આપ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ રાઠોડને લેખિત રાજીનામાં સાથે કરાયેલી રજૂઆતમા જણાવ્યા મુજબ હું પાટડીના સ્થાનિક શહેરના આગેવાનની કાર્ય પધ્ધતિથી નારાજ છું. અને પાર્ટીના તમામ નિર્ણયો જોહુકમથી અને એકપણ કાર્યકર્તાઓને વિશ્વાસમા લીધા વગર લેવામાં આવી રહ્યાં છે. અને જો કોઈ કાર્યકર સામાન્ય પ્રશ્ન પૂછે તો તેમને અપમાનિત કરવામાં આવે છે. આવી સ્થિતિમા હું આ પદ પર રહી શકું એમ નથી. આથી હું પાટડી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને સભ્યપદેથી રાજીનામુ આપું છું.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, આ મહિલા સભ્યના પુત્ર હાર્દિકને પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન ગીતાબેન વરસાણીના પતિ ભરતભાઈ વરસાણી સાથે માથાકૂટ થઇ હતી. હાલ સમજાવટ ચાલુ છે અને હજી રાજીનામુ પણ સ્વીકાર્યું નથી.