વાવમાં ભારે મતદાનથી ભાજપ-કોંગ્રેસ-અપક્ષ બધા ખુશ
બપોર સુધીમાં જ 39.12 ટકા મતદાન, એકંદરે શાંતિપૂર્ણ વોટિંગ થતા તંત્ર પણ ખુશ
ગુજરાતમાં આજે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂૂ થઈ ગયું છે. ત્યારે મળતી માહિતી અનુસાર, સવારે 7:00 થી બપોરે 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન થયું હતું. વાવ વિધાનસભા પેટા ચુંટણીમાં મતદાન અંગે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ તરફથી જીતના દાવાઓ રજુ કર્યા હતા. એકંદરે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતા તંત્રમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી. મતદારો પાણી, ખેડૂતોને સહાય સહિતના મુદ્દાને ધ્યાને રાખી રહ્યા છે. મતદારો માટે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો મહત્ત્વના છે, જેને ધ્યાને રાખીને ભારે ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યો હતો. વિકાસ કરે તેવા ઉમેદવારને મત આપવાનું મતદારોએ જણાવ્યું હતું. તમામ મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર સ્વરૂૂપજી ઠાકોરે તેમના વતન બિયોકમાં મતદાન કર્યું હતું. તેઓ માતાપિતાના આશીર્વાદ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.
તેમણે માતાપિતાના આશીર્વાદ લીધા પછી ગૌપૂજા પણ કરી હતી. લોકસભા ચૂંટણીની ગરમાગરમી બાદ વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાતથી વાવ બેઠકનો પ્રચાર સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહયો હતો. પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સાંસદ તરીકે ચૂંટાયા બાદ વાવ બેઠક ખાલી થઈ ગઈ હતી. ત્યારે વાવ બેઠક પર ભાજપના સ્વરૂૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ મેદાને છે. ગેનીબેન ઠાકોરે 11 વાગે મતદાન કર્યુ હતું. ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ગેનીબેન ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.