For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડબ્બા ટ્રેડિંગનો રેલો અનેક MSME સુધી, મોટા રેકેટની શંકા

04:02 PM Dec 21, 2023 IST | Bhumika
ડબ્બા ટ્રેડિંગનો રેલો અનેક msme સુધી  મોટા રેકેટની શંકા

મામૂલી રકમના શેરમાં ડબ્બા ટ્રેડિંગની મદદથી દસ વીસ ગણા ભાવ ઊંચકાવી ઈન્વેસ્ટરોને ખંખેરવાનો ખેલ

Advertisement

બે વર્ષમાં રાજકોટ સહિત ગુજરાતની અનેક ‘પાટિયા’ પેઢીના શેર રોકેટ ગતિએ ઉછળ્યા અને ફરી કાગળિયા થઈ ગયા

રાજકોટ સહિત રાજ્યની અનેક એમ.એસ.એમ.ઈ. સેબીના રડારમાં, ગમે ત્યારે તવાઈ ઉતરવાના ભણકારા

Advertisement

સમગ્ર કૌભાંડનું એ.પી.સેન્ટર અમદાવાદ; રાજકોટ-જામનગર-સુરત-વડોદરા સહિતના શહેરોમાં માયાઝાળ

રાજકોટ સહિત ગુજરાતમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગ ઉપર સેબીની ટુકડીઓએ સતત બે દિવસ સુધી પાડેલા દરોડા દરમિયાન રાજકોટ સહિત ગુજરાતની કેટલીક મિડિયમ-સ્મોલ એન્ડ માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ (ખજખઊ)ના શેરમાં વધ-ઘટ કરી કરોડોના કાળા-ધોળા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આગામી દિવસોમાં ડબ્બા ટ્રેડર્સો મારફત શેરમાં ઉથલ-પાથલ કરનાર એમ.એસ.એમ.ઈ. ઉપર સેબીની તવાઈ ઉતરે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કંપનીઓના શેરના ભાવમાં ઉથલપાથલ કરતાં બે મોટા ઓપરેટરોને ત્યાં સેબીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદ, સુરત તથા વડોદરામાં આ ઓપરેટરોની બ્રાંચો ઉપર સેબી દ્વારા દરોડા પાડવામાં આવતાં તેનું પગેરૂ રાજકોટ સુધી પહોંચ્યું હતું અને ગઈકાલે વહેલી સવારે સેબીની એક ટીમ રાજકોટ આવી હતી. રાજકોટમાં પોલીસનો બંદોબસ્ત સાથે રાખી 80 ફુટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલી સનફલાવર બ્રોકીંગમાં કામ કરતાં હર્ષ રાવલ નામના શખ્સને કાલાવડ રોડ ખાતે આવેલા ફલેટમાંથી ઉપાડી લીધો હતો અને તેને ત્યાંથી લેપટોપ સહિતની શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી હતી.
આ શખ્સની પુછપરછમાં અને લેપટોપની તપાસ દરમિયાન જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા સલીમ નામના શખ્સના બેંક ખાતામાં મોટી લેવડદેવડ થયાનું ધ્યાનમાં આવતાં સેબીની ટીમ જંગલેશ્ર્વર વિસ્તારમાં સલીમના ઘર ઉપર ત્રાટકી હતી અને સલીમ વિશે પુછપરછ કરતાં સલીમ તેના ઘરે છેલ્લા બે વર્ષથી આવ્યો નહીં હોવાનો જવાબ મળતાં સેબીએ સલીમ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે.

બીજી તરફ શહેરના કાલાવડ રોડ પર એ.જી.ચોકમાં ઓફિસ ધરાવતાં એક બ્રોકર પણ આ શેર સટ્ટાની રમતમાં સામેલ હોવાનું ધ્યાન પર આવતાં સેબી દ્વારા તેની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી અને કેટલુક સાહિત્ય કબજે કરવામાં આવેલ છે. સેબી દ્વારા રાજકોટના બે થી ત્રણ શંકાસ્પદ ઓપરેટરોને ત્યાં તપાસ કરી કેટલુંક સાહિત્ય તથા લેપટોપ કબજે કરવામાં આવેલ છે જેના આધારે આગામી દિવસોમાં ડબ્બા ટ્રેડીંગ દ્વારા ‘પાટીયા’ પેઢીઓના મામુલી રકમના શેરના ભાવમાં મોટી ઉથલ પાથલ કરવાનું રેકેટ બહાર આવવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે સેબીએ દરોડા પાડી લેપટોપ સહિતનું જે સાહિત્ય કબજે કરેલ છે તેની તપાસ બાદ રાજકોટ સહિત ગુજરાતની કેટલીક એમ.એસ.એમ.ઈ. સુધી રેલો પહોંચવાની પુરેપુરી શકયતા છે. સુત્રોના કહેવા મુજબ રાજકોટની લગભગ અડધો ડઝન જેટલી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મોટી ઉથલપાથલ જોવા મળી છે. આ તમામ એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીઝ સેબીના રડારમાં આવી ગઈ છે અને આવી કંપનીઓ ઉપર ગમે ત્યારે સેબીની તવાઈ ઉતરે તેવા ભણકારા વાગી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ, શેર સટ્ટાની આ રમતના કૌભાંડનું એપી સેન્ટર અમદાવાદમાં હોવાનું ખુલી રહ્યું છે. અમદાવાદના બે મોટા ગજ્જાના ઓપરેટર પોતાની રાજકોટ, સુરત, વડોદરા અને જામનગર સહિતની બ્રાંચો મારફત ચોક્કસ એમ.એસ.એમ.ઈ. કંપનીના શેરમાં મોટી ઉથલપાથલ કરી મોટી રકમનું કમિશન મેળવી રહ્યાનું બહાર આવ્યું છે.

ચોક્કસ કંપનીઓ માત્ર કાગળ ઉપર ચાલતી હોવા છતાં તેના શેરની કિંમત 10 થી 20 ગણી ઉછાળી કંપનીઓના પ્રમોટરો શેર વેચી મોટી રકમની મલાઈ તારવી લેતાં હોવાનું આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જો કે આટલા લાંબા સમય બાદ સેબીના ધ્યાનમાં આ રેકેટ આવ્યું તે બાબત પણ ઘણા બ્રોકરો શંકાની નજરે જોઈ રહ્યાં છે. જાણકારોનું કહેવું છે કે હાલમાં શેરબજારમાં ચાલી રહેલી તેજીની વહેતી ગંગામાં હાથ ધોવા અનેક કૌભાંડીયાઓ સક્રિય છે. રોકાણકારોની અજ્ઞાતાનો લાભ લઈ ચોક્કસ કંપનીઓમાં રોકાણ કરાવ્યા બાદ પ્રમોટરો ઉંચા ભાવે પોતાના શેર વેચી નાખે ત્યા પછી ફરી શેરની કિંમત ‘કાગળીયા’ જેવી કરી નાખવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે અને આ કૌભાંડમાં અનેક નાના રોકાણકારોના કરોડો રૂપિયા અત્યાર સુધીમાં ડૂબી ગયા છે.

શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલા આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તો ગુજરાતની 50 થી 60 જેટલી એમ.એસ.એમ.ઈ. કંપનીઓ સુધી રેલો પહોંચવાની પુરી શકયતા છે. જો કે હાલ સેબી દ્વારા જે બે ઓપરેટરોના નેટવર્ક ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેની અન્ય કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ અંગે સેબી દ્વારા કોઈ ફોડ પાડવામાં આવે છે કે કેમ ? તે તરફ શેર બ્રોકરોની નજર છે.

રૂા.10ની કિંમતના શેર રૂા.650 સુધી પહોંચ્યા
શેર બજારમાં તેજીનો લાભ લઈ ઈન્વેસ્ટરોના ખિસ્સા ખંખેરવાના આ ખેલમાં રાજકોટ સહિત ગુજરાતની કેટલીક ચોક્કસ એમ.એસ.એમ.ઈ.ના શેરના ભાવમાં છેલ્લા બે વર્ષમાં 10 થી 20 ગણી ઉથલપાથલ જોવા મળી છે. અમુક કંપનીઓના રૂા.10ના ભાવના શેર રૂા.650 સુધી પહોંચી ગયા હતાં તો અમુક કંપનીઓના રૂા.10 ના ભાવના શેર રૂા.360 સુધી જોવા મળ્યા હતાં. આવી કંપનીઓના શેરના ભાવમાં થયેલી વધઘટ અંગે તપાસ કરવામાં આવે તો હાલ અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા હોવાનું બહાર આવે તેમ છે. ચોક્કસ એમ.એસ.એમ.ઈ.ના સંચાલકો શેરનો મોટો હિસ્સો પોતાની પાસે રાખી નાના હિસ્સામાં ઓપરેટરો મારફત મોટી રકમની વધઘટ કરાવે છે અને કહેવાતા નિષ્ણાંતો મારફત ટીપ્સ આપી રોકાણકારોને શિશામાં ઉતારે છે. શેરની કિંમત ચોક્કસ ભાવ સુધી પહોંચે ત્યારે સંચાલકો પોતાનો હિસ્સો ઉંચા ભાવે વેચી રોકડી કરી લે છે અને ઈન્વેસ્ટરોને શેર વેચવાનો સમય પણ મળતો નથી જેના કારણે શેરના ભાવ તળીયે જાય ત્યારબાદ ઈન્વેસ્ટરો વેચવા મજબુર થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement