અમદાવાદમાં ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઇકચાલકનું મોત
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચાંગોદરમાં આજે એક હચમચાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. અહીંના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા, ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ફિલ્મી દ્રશ્યો જેવો અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ચાંગોદર બ્રિજ પરથી ’યુનિસન ફાર્મા’ કંપનીની સ્ટાફ બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલુ બસે અચાનક ટાયર નીકળી ગયું હતું.
આ ટાયર બ્રિજ પરથી સીધું નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતું. કમનસીબે, તે જ સમયે નીચેથી બાઈક લઈને પસાર થઈ રહેલા ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા પર આ તોતિંગ ટાયર પડ્યું હતું. સર્વિસ રોડ પર જઇ બાઈક સવાર ભીખાભાઈ પર ટાયર પડતાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતક ભીખાભાઈ ઝાલા મૂળ ધોળકા તાલુકાના બદરખા ગામના રહેવાસી હતા. તેઓ હર્ષા નામની ખાનગી કંપની પાસેથી સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ટાયરે તેમનો ભોગ લીધો હતો. ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.