સાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતાં બાઇક સ્લીપ થયું : વૃધ્ધાનું મોત
શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા વૃધ્ધા પૌત્રના બાઇક પાછળ બેસી સિવિલ હોસ્પિટલમાં દવા લેતા જતા હતા. ત્યારે રસ્તામાં સાડીનો છેડો વ્હીલમા ફસાઇ જતા બાઇક સ્લીપ થયુ હતું. જેમાં વૃધ્ધાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેમનુ મોત નિપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ મોટામવામાં રહેતા લાભુબેન કાનાભાઇ જખાણીયા (ઉ.વ.65)નામના વૃધ્ધા આજે સવારે પૌત્ર પ્રકાશના બાઇક પાછળ બેસી સિવિલ હોસ્પિટલે જતા હતા ત્યારે રસ્તામાં સેલેસ હોસ્પિટલ પાસે પહોંચતા વૃધ્ધાએ પહેરેલી સાડીનો છેડો બાઇકના વ્હીલમાં ફસાઇ જતા બાઇક સ્લીપ થયુ હતું. આ અકસ્માતમાં વૃધ્ધાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓને વહેલી સવારે પેસાબમાં રસી થવાની સમસ્યા હોવાથી દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જઇ રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.
જયારે આરટીઓ પાછળ શિવમ સોસાયટી શેરી નં.2માં રહેતા ભગવાન દાસ નરભેરામભાઇ પરમાર (ઉ.વ.72)નામના વૃધ્ધે ગત રાત્રે પોતાના ઘરે ઉંઘની વધુ પડતી ટીકડીઓ પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માનસિક બિમારીથી કંટાળી આ પગલુ ભર્યાનુ જાણવા મળ્યુ છે.