લાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજા
પાનેલી ગામથી જામનગર પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો’તો
જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતા સગીર પાનેલી ગામેથી માસીના ઘરેથી મામાના બાઈક પાછળ બેસીને પરત ફરતો હતો. ત્યારે જ લાલપુર પાસે પહોંચતાં ડમ્પર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભાણેજનું સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે મામાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. સગીરના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતાં હિરેન દિલીપભાઈ રાંદલપરા નામનો 16 વર્ષનો સગીર પાંચ દિવસ પૂર્વે પોતાના મામા મનીષભાઈ અરજણભાઈ નતાણીયા (ઉ.27)ના બાઈક પાછળ બેસી પાનેલી માસીના ઘરેથી જામનગર જતો હતો ત્યારે લાલપુર તાલુકાના પીપરટોળા ગામ પાસે પહોંચતાં ડમ્પર ચાલકે બાઈકને ઠોકરે ચડાવ્યું હતું. જેમાં બાઈક ચાલક મનીષભાઈને ઈજા પહોંચી હતી. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા હિરેન રાંદલપરાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક સગીર બે ભાઈમાં નાનો હતો. ઘટના અંગે લાલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.