ભાણવડ નજીક રોંગ સાઈડમાં આવતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત
ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર કૃષ્ણગઢ ગામ પાસેથી બુલેટ મોટર સાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઉટડા ગામના રહીશ અશોકભાઈ રમેશભાઈ મોકરીયા નામના 30 વર્ષના યુવાન તેમના મિત્ર ભરતભાઈ કરમટા (રહે. ઉટડા) સાથે બેસીને કોટડાબાવીસી ગામે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પણ પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 01 કે.એમ. 6796 નંબરના વેગનઆર મોટરકારના ચાલકે તેમના મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે અશોકભાઈ તથા તેમના મિત્ર ભરતભાઈને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે રમેશભાઈ નગાભાઈ મોકરીયા (ઉ.વ. 56) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે વેગનઆર મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
બાઈકની ઠોકરે ભાડથરના પ્રૌઢ ઘવાયા
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભારાભાઈ કારીયા નામના પ્રૌઢ ખંભાળિયા જામનગર માર્ગ પર ત્રણ કિલોમીટર દૂર દલવાડી હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહે રહેલા સમુદ્ર મનસુખભાઈ નકુમ નામના એક મોટરસાયકલના ચાલકે ભારાભાઈને ઠોકર મારતા તેમને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે ખંભાળિયા પોલીસે રાજુભાઈ ભારાભાઈ કારીયાની ફરિયાદ પરથી બાઈક ચાલક સમુદ્ર મનસુખભાઈ નકુમ સામે ગુનો નોંધ્યો છે.
ખાનગી કંપનીમાંથી કેબલ વાયર અને ભંગારની ચોરી
ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર ધરમપુર વિસ્તારમાં આવેલી માલકો એનર્જી કંપનીની દિવાલ ટપીને જી.જે. 10 યુ. 5231 નંબરના એક રીક્ષાના ચાલકે અહીં રાખવામાં આવેલો રૂૂપિયા 30,000 ની કિંમતનો 200 મીટર કેબલ વાયર તેમજ રૂૂ. 5,000 ની કિંમતના જુદા જુદા સ્ક્રેપ (ભંગાર) મળી કુલ રૂૂપિયા 35,000 ના મુદ્દામાલની ચોરી કરીને લઈ જવા સબબ કંપનીના સિક્યુરિટી કર્મચારી નાનજીભાઈ વાલાભાઈ નકુમ દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે ખંભાળિયા પોલીસે રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.