તાપીના પૂર બાદ બિહારની ચૂંટણી, સુરત ટેકસટાઇલ ઉદ્યોગને ડબલ ફટકો
હજારો બિહારી શ્રમિકોનું ચૂંટણીના કારણે વતન ભણી પ્રયાણ, ટેકસટાઇલ ઉદ્યોગમાં 30થી 40 ટકા વેપાર ઘટી ગયો
મજઽરોની અછતના કારણે ઓર્ડર હોવા છતા અનેક મીલો બંધ, તહેવાર ટાણે નાણાકીય કટોકટીની સ્થિતિ
દેશનુ ટેક્સટાઇલ હબ ગણાતું સુરત હાલમાં એકસાથે બે મોટા સંકટોનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તેના પ્રોસેસિંગ હાઉસ અને વિવિંગ યુનિટ્સમાં ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. એક તરફ બિહાર વિધાનસભા ચૂંટણી માટે શ્રમિકોનું મોટા પાયે વતન તરફ પલાયન અને બીજી તરફ પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતમાં આવેલી પૂરની સ્થિતિ, આ બે પરિબળોએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને લગભગ 30થી 40% જેટલો વેપાર ગુમાવવા મજબૂર કર્યો છે.
સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુ વખારીયાના જણાવ્યા મુજબ, ઉદ્યોગ પર બે સંકટ અચાનક આવી ગયા છે, જેની કલ્પના નહોતી.ખાસ કરીને, બિહારમાં ચાલી રહેલી ચૂંટણીના પગલે, બિહારી શ્રમિકો મોટી સંખ્યામાં સુરત છોડી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી રોજે હજારોની સંખ્યામાં શ્રમિકો વતન તરફ જઈ રહ્યા છે. સરકાર દ્વારા મતદારો મતદાનમાં ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી ઘણા કારીગરો સમય પહેલાં જ પોતાના વતન જવા રવાના થઈ ગયા છે.
આ સામૂહિક સ્થળાંતરના કારણે શ્રમિકોની અછત અને ઉત્પાદન ઠપ્પ થઈ રહ્યું છે. પ્રોસેસિંગ હાઉસમાં મજૂરોની અછત એટલી હદે વધી છે કે, મોટી સંખ્યામાં મશીનરી બંધ થઈ ગઈ છે. શ્રમિકોના અભાવે પ્રોસેસિંગ યુનિટ્સનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે. કાપડ કારીગરોની અછતના કારણે કાપડના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં વિલંબ થયો છે, જેથી બજારમાં માલની પણ શોર્ટેજ વર્તાઈ રહી છે.
વખારીયાએ જણાવ્યું કે, પ્રોસેસિંગની જેમ વિવિંગ પર પણ ગંભીર અસર પડી છે. વિવિંગ યુનિટ્સમાં કારીગરોને તાત્કાલિક પેમેન્ટ ચૂકવવું પડતું હોય છે. વેપારમાં ટર્નઓવર નહીં ચાલે તો પેમેન્ટ ક્યાંથી કરવું? પરિણામે, દરેક વિવર્સ હાલમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં મૂકાયા છે.બીજું મોટું સંકટ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આવેલા વિનાશક પૂરનું છે. આ વિસ્તારો સુરત ટેક્સટાઇલ માટે મોટા બજારો પૈકીના એક છે. પૂરની સ્થિતિના કારણે ત્યાં થયેલા વ્યાપક નુકસાનથી સુરતના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આવેલા મોટા ભાગના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે.
નુકસાનના કારણે હાલમાં તે વિસ્તારોમાંથી નવા ઓર્ડર આવતા નથી.જ્યાં નિયમિત વેપાર થતો હતો, તે વિસ્તારોમાં હાલ 25થી 30 ટકા કામ ઓછું થઈ ગયું છે. શ્રમિકોની અછત અને ઓર્ડર કેન્સલેશનના બેવડા ફટકાના કારણે ઇન્ડસ્ટ્રીમાં આર્થિક ખેંચ ઊભી થઈ છે. 30-40 ટકા જેટલો વેપાર ઘટવાથી રોકડ પ્રવાહ પર અસર પડી છે, જે વિવિંગ યુનિટ્સ માટે કારીગરોને તાત્કાલિક ચૂકવણી કરવામાં મુશ્કેલી ઊભી કરી રહી છે.સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, જે કરોડોનું ટર્નઓવર ધરાવે છે અને લાખો શ્રમિકોને રોજગાર આપે છે, તે હાલમાં ઇતિહાસના એક અણધાર્યા આર્થિક અને શ્રમિક સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાંથી બહાર નીકળવા માટે તે રાહત અને બજારોની સ્થિરતાની રાહ જોઈ રહ્યો છે.