સેરેનિટી પ્રોજેક્ટ પાછળ મુંજકા ટી.પી.-18નું મસમોટું કૌભાંડ
- ફ્લેટ હોલ્ડરોને છેતરી કરોડો રૂપિયાની કિંમતની 1400 વાર જમીન ટી.પી.માં કપાત કરાવી રોડ ટચ સોનાની લગડી જેવી જમીન બચાવી લીધી
- ‘રેરા’માં રજૂ કરેલા પ્રોજેક્ટ અને દસ્તાવેજમાં ક્લબ હાઉસ બતાવ્યું પછી જમીન જ ગાયબ કરી દીધી, ફ્લેટ હોલ્ડરો સામે ફરિયાદ નોંધાવનાર બિલ્ડરો સામે જ કાયદાનો ગાળિયો કસાયો
રાજકોટ કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સીનેમા પાછળ આવેલ સેરેનીટી ગાર્ડન નામના 230 લક્ઝરી ફ્લેટ ધરાવતી હાઈફાઈ સોસાયટીમાં ફ્લેટધારકોને છેતરી ક્લબ હાઉસની કરોડો રૂપિયાની કિંંમતની 1400 વાર જમીન બારોબાર ટી.પી. કપાતમાં પધરાવી દીધાની ફ્લેટ ધારકોએ ગઈકાલે કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદના પગલે મુંજકા વિસ્તારની ટી.પી. સ્કીમ નં. 18નું એક નવું જ કૌભાંડ બહાર આવી રહ્યું છે અને આ કૌભાંડ અંગે આગમી દિવસોમાં મોટા ધડાકા થાય તેવી પુરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
મુંજકા ટી.પી. નં. 18માં આવતી સેરેનીટી ગાર્ડન સોસાયટીનો કોમનપ્લોટ ટી.પી.માં કપાત આપી તેની સામે સોનાની લગડી જેવી રોડટચ જમીન બચાવી લેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આ સમગ્ર કૌભાંડમાં બિલ્ડરોએ ફ્લેટ ધારકો ઉપરાંત સરકાર સાથે પણ છેતરપીંડી કરી હોવાથી છેતરપીંડી અને લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ પણ ફરિયાદ પણ નોંધાઈ શકે તેટલા પુરાવા નિકળ્યા છે.
આ જમીન કૌભાંડમાં મુંજકા ટી.પી.નં. 18 બનાવનાર અધિકારીો પણ શંકાના દાયરામાં આવી જાય છે. બિલ્ડરોની મેઈન રોડ ટચ આવેલી જમીન બચાવવા ફ્લેટ ધારકોના હક્કનો કોમન પ્લોટ ટી.પી. કપાતમાં બતાવી દેવાનીકાયદાકીય રમત કરવામાં આવી છે.
સેરેનીટી ગાર્ડનમાં કુલ 8 બહુમાળી બિલ્ડીંગો અને 230 ફ્લેટ આવેલા છે. ફ્લેટ ધારકોના દસ્તાવેજમાં પણ ક્લબહાઉસ, કોમન પ્લોટ અને અન્ય કોમન એમિનિટીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે ‘રેરા’માં પ્રોજેક્ટ મુક્યો ત્યારે રજૂ કરવામા આવેલા બ્રોસરમાં પણ ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ બતાવવામાં આવી છે. પરંતુ પાછળથી ફ્લેટ ધારકો સાથે ઉઘાડી છેતરપીંડી કરી ક્લબ હાઉસ બનાવવાના બદલે અન્ય જમીન બચાવવા આ જમીન ટી.પી.માં ધરી દીધી હતી. અને ટીપીના અધિકારીઓએ પણ કુલડીમાં ગોળ બાંગી લીધો હતો.
ફલેટ ધારકોનો રોષ શાંત પાડવા બિલ્ડરોએ 1400 વારના ક્લબ હાઉસના બદલે બાજુમાં આવેલ ખાનગી માલિકીનો 456 વારનો પ્લોટ પોતાના નામે ખરીદી ક્લબ હાઉસના નામે અધકચરો માચડો ખડકી દીખો છે પરંતુ આ 456 વારનું ક્લબહાઉસ નિયમ મુજબ ફ્લેટ હોલ્ડર્સ એસો.ને સોંપવાના બદલે બિલ્ડરોએ કબજો જાળવી રાખી ફલેટ હોલ્ડરો સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ કરતા સમગ્ર વિવાદ બહાર આવ્યો છે. અને આ સાથે મુંજકા ટી.પી.નં.18નુ જમીન કૌભાંડ પણ બહાર આવ્યું છે. જેમાં આગામી દિવસોમાં મોટા ધડાકા થવાના છે. ફલેટ હોલ્ડરો સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ કરનાર બિલ્ડરોના ગળામાં જ કાયદાકીય ગાળીયો આવે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. જિલ્લા ક્લેકટર સમક્ષ જ્યારે ફ્લેટ હોલ્ડરોએ રજુઆત કરી ત્યારે કલેક્ટર પણ સમગ્ર હકિક્ત જાણીને ચોંકી ઉઠયા હતા.
એક ભાગીદારના કારણે અન્ય બિલ્ડરો પણ વિવાદમાં ફસાયા
સેરેનીટી ગાર્ડનના વિવાદમાં એક ભાગીદારની કૌભાંડી કરામતના કારણે અન્ય ભાગીદારો પણ ફસાયા હોવાની ચર્ચા છે. આ પ્રોજેક્ટના 11 ભાગીદારોને અંધારામાં રાખી એક મહિલા ભાગીદારના કૌભાંડીયા પતિએ પોતાના અધિકારીઓ સાથેના લેતી-દેતીના કાળા કારોબારના કારણે સમગ્ર જમીન કૌભાંડને અંજામ આપ્યાનું ખુદ અન્ય ભાગીદારોનું કહેવુ છે. આ મહિલા ભાગીદારના બિલ્ડર પતિ સામે અગાઉ પણ ચીટીંગ ફરિયાદો થઇ હોવાથી પોતાની પત્નીના નામે ભાગીદારી કરી પડદા પાછળથી ધંધો કરે છે. હાલ આ બિલ્ડરના 150 ફૂટ રીંગરોડ ઉપર તુલસીપાર્ક બસ સ્ટોપ પાસે પણ પ્રોજેકટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટની જમીનમાં પણ 700 વાર જમીન અલગ બતાવી કાયદાકીય આંટીઘુંટી સાથે કૌભાંડ આચરી રોકણકારો સાથે છેતરપીંડી કરી રહ્યો હોવાની ચર્ચા છે. સેરેનીટી વાળા પ્રોજેક્ટમાં પણ આ બિલ્ડરેજ ફલેટ હોલ્ડરોને દબાવવાનો પ્રયાસ કરતા અને ખોટી ફરીયાદ કરતા અન્ય બિલ્ડરો ફસાયા છે.