ગોંડલના ભોજપરા ગામે સગીરાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ
- બિલિયાળાના યુવાન સામે નોંધાતો ગુનો : સોશિયલ મીડિયા મારફત સગીરાને ફસાવી
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપરા ગામે રહેતી સગીરાને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી સગીરાનો એકલતાનો લાભ લઈ યુવાને ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ભોજપરા ગામે રહેતી સગીરાના વાલીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બિલિયાળા ગામના મોહીત રાઠોડનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સગીરાને સોશિયલ મીડિયા મારફતે આરોપીએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ગત તા. 7-33-24ના સગીરા ઘરે એકલી હતી ત્યારે બપોરના સમયે આરોપીએ ઘરમાં ઘુસી સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું.
આ બનાવ બાદ સગીરાના વાલીઓને જાણ થતાં અંતે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. જ્યારે બનાવની તપાસ ગોંડલ ડી.વાય.એસ.પી.ને સોંપવામાં આવી છે.