ભાયાણી અને લાડાણીના પણ કેસરિયા
ભેસાણમાં પાટીલની હાજરીમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા, કાલે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાશે
જૂનાગઢના ભેસાણ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી કેશોદના ભાજપના બળવાખોર ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.
આ સંમેલનમાં ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી,કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારીયા અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણી સહિત કેશોદના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્યારે સી આર પાટીલ દ્વારા આ નેતાઓને ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવવામાં આવ્યો છે.જૂનાગઢ વિધાનસભાની પાંચ બેઠકો છે જેમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. હવે વધુ એક વિસાવદર બેઠક પણ ભાજપના ફાળે આવી ગઈ છે. જૂનાગઢ લોકસભાની બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ થાય છે. જૂનાગઢ જીલ્લામાં ભાજપનું વર્ચસ્વ વધી જતાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. શનિવાર બાદ રવિવારે પણ ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે. ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ રવિવારે ભાજપમાં જોડાશે. આણંદ જિલ્લા પંચાયતના 1 સભ્ય, ખંભાત પાલિકાના 3 સભ્ય પણ તેમની સાથે ભાજપમાં જોડાશે. ખંભાત તાલુકા પંચાયતના 3 સભ્ય અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 2 લોકો ભાજપમાં જોડાશે. રવિવારે ખંભાતમાં 11 કલાકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 1500 લોકોને ભાજપમાં જોડશે.