ભણે ગુજરાત: 12500 શિક્ષકો, 700 આચાર્યની જગ્યા ખાલી
શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર: અનેક વખત રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગની અભણ નીતિનો સંચાલક મંડળનો આક્ષેપ
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શાળાઓમાં રાબેતા મુજબ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ શાળાઓમાં 12000થી વધારે શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના અભ્યાસને અસર પડી રહી છે અને 700 થી વધારે આચાર્યની ઘટ હોવાથી વહીવટી કામગીરી ઠપ્પ થઈ છે. તેવો દાવો સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
નવું શૈક્ષણિક સત્ર શરૂૂ થઈ ગયું છે. શાળા સંચાલક મહામંડળ ગુજરાતના અધ્યક્ષ ભાસ્કર પટેલના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. રાજ્યમાં 4,600 બે વર્ગની (ધોરણ 9 અને 10) અને 3,800 ચાર વર્ગની સ્કૂલો આવેલી છે. 11 ફેબ્રુઆરી, 2011ના સરકારી જાહેરનામાથી રાજ્ય સરકારે શિક્ષકો અને આચાર્યોની ભરતી પોતાના હસ્તક લીધી હતી પરંતુ, 2011થી 2025 સુધીમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં કુલ 12,500 શિક્ષકોની ઘટ પડી છે, જેમાં માધ્યમિકમાં 7,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 5,500 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 700 જેટલા આચાર્યોની પણ ઘટ છે.
વધુમાં જણાવ્યું કે, રાજ્યની ગુજરાત બોર્ડની શાળાઓમાં કેજી થી ધોરણ 12નું શૈક્ષણિક કાર્ય શરૂૂ થઈ ગયું છે, તેમ છતાં આ ઘટ યથાવત છે. સરકારે કેન્દ્રીય ભરતી સમિતિની રચના કરી છે, પરંતુ તે સમિતિ યોગ્ય રીતે કામ કરી રહી નથી. જાહેરનામા મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીએ વર્ષમાં બે વખત પોતાના જિલ્લાની શાળામાં ખાલી પડેલી જગ્યાઓની માહિતી કમિશનર કચેરીને મોકલવાની હોય છે. આ ખાલી જગ્યાઓ મૃત્યુ, રાજીનામા અથવા વય નિવૃત્તિને કારણે હોઈ શકે છે. આ જગ્યાઓ ભરવાની જવાબદારી કમિશનર કચેરીમાં આવેલી કેન્દ્રીય ભરતી સમિતિની છે, પરંતુ તેમાં થઈ રહેલી ઢીલને કારણે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે.
ભાસ્કર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરતા જણાવ્યું હતું કે, જો જૂન મહિનાના અંત સુધીમાં ગ્રાન્ટેડ શાળાઓની ખાલી પડેલી જગ્યાઓ ભરી દેવામાં આવે, તો જ આ શાળાઓ જીવિત રહી શકશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી શકશે.
આચાર્ય મંડળના પ્રમુખ રાકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, પહેલા જ દિવસે લગભગ 30થી 40 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી છે. જોકે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ વર્તાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, સરકારે બે દિવસ પહેલા જ્ઞાનસહાયકોને રિન્યુ કરવા માટે પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ ઘણા જ્ઞાનસહાયકોએ ફરજ બજાવવાની ના પાડી છે. તેમનું કહેવું છે કે, ટૂંક સમયમાં તેમની ભરતી થવાની છે, તો પછી અધવચ્ચેથી જ્ઞાનસહાયક તરીકેની ફરજ છોડવી પડે. આ સ્થિતિને કારણે સ્કૂલો સમયપત્રક પણ બનાવી શકતી નથી, કારણ કે શિક્ષકો જ ઉપલબ્ધ નથી. પંડ્યાએ સરકારને વિદ્યાર્થીઓના શિક્ષણના દિવસો ન બગડે તે માટે તાત્કાલિક પગલાં લેવા અને આચારસંહિતાનો એક મહિનો પૂરો ન થાય ત્યાં સુધી પણ દરેક શાળાને શિક્ષક મળે એવી અપીલ કરી હતી.