હળવદમાં મામાના ઘરે 2.66 લાખની ચોરી કરનાર ભાણેજ ઝડપાયો
હળવદની સોનીવાડમાં રહેતા આધેડના રહેણાંક મકાનને નિશાન બનાવીને ચોરી કરવામાં આવેલ હતી અને ઘરમાંથી સોનાના દાગીના જેની કિંમત 2.66 લાખ થાય છે તેની ચોરી કરેલ હતી. જેથી કરીને આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને કરવા માટે તજવીજ શરૂૂ કરી હતી. આ ગુનામાં મામાના ઘરમાં ચોરી કરનાર ભાણેજની પોલીસે ધરપકડ કરીને તમામ મુદામાલ રિકવર કરેલ છે.
હળવદની સોનીવાડમાં રહેતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવે (ઉ.52)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તા.7/9 ના રોજ તેના પત્ની તેના ઘર પાસે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં રાત્રિના 8:00 થી 8:30 વાગ્યાના અરસામાં ગયા હતા. ત્યારે ઘરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ચોરી કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરની અંદર રાખવામાં આવેલ માલસામાને વેરવિખેર કરી નાખ્યો હતો અને સેટીમાં રાખેલ થેલાઓમાં સોનાના અંદાજે 53 ગ્રામ વજનના દાગીનાની ચોરી કરી હતી. જેથી આધેડ દ્વારા 2.66 લાખના મુદામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી હતી અને આ બનાવની તપાસ પીએસઆઇ પી.એલ.સેડા અને તેની ટિમ ચલાવી રહી હતી તેવામાં એ.એન. સિસોદીયા અને ગંભીરસિંહ ચૌહાણને મળેલ બાતમી આધારે પોલીસે આરોપી ધર્મેશ પ્રદીપભાઈ જોશી રહે.ઓરાવાડ હળવદવાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાના તમામ દાગીના રિકવર કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ફરિયાદીનો સગો ભાણેજ છે અને તે ઘરે આવતો જતો હોવાથી ઘરમાં કયા શું રાખવામા આવેલ છે તેની આરોપીને જાણ હતી. જેથી કરીને આરોપીએ ગણતરીની મિનિટોમાં ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હતો.