ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે: મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ કહ્યું કે, ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે.
કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ ગેમલદાસજી - ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ 2025 માટે મોરારિબાપુના હસ્તે સન્માનિત થયાં.
મોરારિબાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાં સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યાં અને તેઓએ પ્રાસંગિક વાતમાં ગેમલજીબાપુ રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી. સન્માન પસંદગી પ્રક્રિયામાં જયશ્રી માતાજી, રામદાસજી ગોંડલિયા તથા હિતેશગિરી ગોસાઈ રહેલ. આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાં ભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણી લાભ મળ્યો હતો.
