ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ખોડલધામમાં મા ખોડલના કર્યા દર્શન
જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તારીખ 23 ડિસેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાતે પધાર્યા હતા.
આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓએ ઉપસ્થિત રહીને પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાનું ભાવથી સ્વાગત કર્યું હતું.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ખોડલધામ મંદિરે પધારીને મા ખોડલના દિવ્ય દર્શન કર્યા હતા. આ તકે નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓએ પૂજ્ય ભાઈશ્રીને ખોડલધામનો ખેસ અને પુષ્પમાળા પહેરાવી મા ખોડલની પ્રતિમા અર્પણ કરી હતી. સાથે જ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને શ્રી ખોડલધામ મંદિર પરિસરની મુલાકાત કરાવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી રહેલા સેવાકાર્યોની અને ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરાયેલી વિશ્વ રેકોર્ડ્સની માહિતી આપવામાં આવી હતી. આ તકે શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થીઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધા અને વ્યવસ્થા જોઈને પૂજ્ય ભાઈશ્રીએ મેનેજમેન્ટને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, કાગવડમાં આપના દ્વારા મા ભગવતીને પ્રતિષ્ઠિત કર્યા છે તે જોઈને મન ખૂબ જ પ્રસન્ન થાય છે.ખોડલધામ આજે સૌરાષ્ટ્રનું મહત્વનું તિર્થધામ બની ગયું છે.
આ તકે નરેશભાઈ પટેલે ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પૂજ્ય ભાઈશ્રી સમય લઈને શ્રી ખોડલધામ મંદિરે પધાર્યા છે ત્યારે શ્રી ખોડલધામનું આંગણું પવિત્ર બન્યું છે.