ભાદરવી અમાસે ભવનાથમાં મોક્ષ પીપળે ભક્તોનું ઘોડાપુર
પિતૃતર્પણ માટે જળ અર્પણ કરી શ્રધ્ધાળુઓએ દામોદર કુંડમાં સ્નાન કર્યું
જુનાગઢના ગિરનારના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ અને તેના કિનારે આવેલો મોક્ષ પીપળાના વૃક્ષનું સંસ્કૃતિમાં પિતૃ તર્પણ માટે એક આગવું મહત્વ છે. આ વર્ષે ભાદરવી અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવા, મોક્ષ પીપળાને જળ અપર્ણ કરવાં અને સ્નાન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
દામોદર કુંડને ગંગા નદી જેટલો જ પવિત્ર માનવામાં આવે છે. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે, જે મુજબ બ્રહ્મા અને ઇન્દ્ર જેવા દેવોએ પણ અહીં યજ્ઞો કર્યા હતા, જેમાં અન્ય દેવી-દેવતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દંતકથા મુજબ, શ્રીકૃષ્ણ ભગવાન પણ ત્રણ વખત આ ભૂમિ પર પધાર્યા હતા, અને નરસિંહ મહેતાના કાર્યો માટે તો 52 વખત આવ્યા હોવાનું મનાય છે. કહેવાય છે કે નરસિંહ મહેતાએ પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અહીં દામોદર કુંડમાં જ કર્યું હતું.
ભાદરવી અમાસનો દિવસ પિતૃઓના મોક્ષ માટેનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો દૂર-દૂરથી દામોદર કુંડમાં સ્નાન કરવા, મોક્ષ પીપળાને જળ અર્પણ કરવા અને દીવો કરવા આવે છે. આ દિવસે પિતૃઓના મોક્ષાર્થે દાન, પુણ્ય, જપ, તપ અને આરાધના કરવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ બ્રાહ્મણોને દક્ષિણા આપી પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. આ તીર્થના ગોર (બ્રહ્મ નારાયણ ભૂદેવ) અહીં અસ્થિ વિસર્જન માટે આવતા પરિવારોને વિધિપૂર્વક પૂજા-અર્ચના કરાવીને વિધિ પૂર્ણ કરાવે છે.
પિતૃઓના મોક્ષાર્થે દામોદર કુંડના કાંઠે કરવામાં આવતી પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. ભાદરવી અમાસના અધિષ્ઠાતા દેવ સ્વયં પિતૃ દેવતાઓ હોવાથી આ દિવસે કરવામાં આવતું દાન અને તર્પણ પિતૃઓને મોક્ષ અપાવવામાં સહાયક બને છે. આજે પણ, આધુનિક યુગમાં પણ, શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોની યાદમાં આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે.