સૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામત
જેતપુર નજીક ભાદર નદીને પ્રાયોરિટી-1માં મૂકાઈ, સાબરમતીની હાલત સૌથી ખરાબ, રાજ્યમાં કુલ 13 નદીનું પાણી ગંભીર પ્રદુષિત
ગુરૂવારે લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા ડેટા અનુસાર, ગુજરાતની 13 નદીઓના પટને સત્તાવાર રીતે પ્રદૂષિત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં સાબરમતી સૌથી પ્રદૂષિત તરીકે ઉભરી આવી છે. જ્યારે રાજ્યમાં બીજા ક્રમે સૌરાષ્ટ્રની ભાદર નદીનો જેતપુર વિસ્તાર છે.
આ મૂલ્યાંકન બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) પર આધારિત છે - જે જળ પ્રદૂષણનું મુખ્ય સૂચક છે. ઇઘઉ પાણીમાં કાર્બનિક પદાર્થોને તોડવા માટે સુક્ષ્મસજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની માત્રાને માપે છે. વધુ BOD એટલે વધુ કાર્બનિક કચરો, જે ઓક્સિજનનું સ્તર ઘટાડે છે અને જળચર જીવનને જોખમમાં મૂકે છે. સૌરાષ્ટ્રમાં ભાદર નદીમાં જેતપુર વિસ્તારમાં સૌથી વધુ પ્રદુષણ છે. જ્યારે ભોગાવોમાં સુરેન્દ્રનગર ખાતે ખાસ માત્રામાં પ્રદુષણ નોંધાયું નથી.
2022ના અહેવાલને ટાંકીને, કેન્દ્ર સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં નદીઓના 13 પટને પ્રદૂષિત તરીકે ઓળખવામાં આવ્યા છે. આમાંથી છને પ્રાથમિકતા ઈં (સૌથી ખરાબ પ્રદૂષિત), એકને પ્રાથમિકતા-II, III અને IV તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જ્યારે ચાર પટને પ્રાથમિકતા-ટ (ઓછામાં ઓછા પ્રદૂષિત) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જોકે, 2018માં પ્રદૂષિત નદીઓના પટની સંખ્યા 2022માં ઘટીને 13 થઈ ગઈ છે.
રાયસનથી વૌઠા વચ્ચેનો સાબરમતી નદીનો પટ ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત છે, જેનો BOD પ્રતિ લિટર 292 મિલિગ્રામ છે, એમ કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું.
ગુજરાતના સાંસદ મુકેશ દલાલે ગુરુવારે માહિતી માંગી હતી કે શું સરકાર પાસે ગુજરાતમાં નદીઓના પ્રદૂષણ સ્તરનો વ્યાપક ડેટા છે, અને રાજ્યની સૌથી વધુ અસરગ્રસ્ત નદીઓની વિગતો પણ માંગી હતી. તેમણે ગુજરાતની નદીઓમાં પ્રદૂષણના પ્રાથમિક સ્ત્રોતો અને પ્રદૂષિત નદીઓને સ્વચ્છ અને પુનજીર્વિત કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ચોક્કસ પહેલની વિગતો પણ માંગી હતી.
લોકસભામાં પોતાના પ્રશ્નમાં, સાંસદે ગુજરાતમાં નદી સફાઈ પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવેલી નાણાકીય ફાળવણી, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા વાસ્તવિક ખર્ચ અને રાજ્યમાં ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને ધ્યાનમાં રાખીને વધુ નદી પ્રદૂષણને રોકવા અને ટકાઉ જળ સંસાધનોની ખાતરી કરવા માટે કયા લાંબા ગાળાની નીતિઓ ઘડવામાં આવી છે તેની વિગતો માંગી હતી.