સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘બાપુ’ ફરી મેદાનમાં
પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજના મતો તોડી ભાજપને ફાયદો કરાવશે કે ત્રીજા પરિબળનો ઉદય કરશે? રાજકીય પંડિતોમાં તરેહતરેહના અનુમાનો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં જુના ખેલાડી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત મેદાનમાં આવ્યા છે અને ‘પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી’ની સ્થાપના કરી છે અને સાથોસાથ ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ ક્ષત્રીય સમાજ અંગે કરેલી વિવાદીત ટિપ્પણીથી ક્ષત્રીય સમાજમાં નારાજગી ફેલાઇ હતી અને રાજયવ્યાપી આંદોલન ચલાવાયું હતું. જો કે, આ આંદોલનની ચુંટણી ઉપર ખાસ અસર થઇ ન હતી. પરંતુ ક્ષત્રીય સમાજમાં હજુ પણ અંદરખાને કયાંકને ક્યાંક નારાજગી છુપાયેલી પડી છે તેવા સમયે નગરપાલિકાઓ અને પંચાયતોની ચુંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી કોને નુકશાન કરશે તે અંગે અત્યારથી જ રાજકીય ગણીતો મંડાવા લાગ્યા છે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપથી નારાજ ક્ષત્રીય સમાજના મતમાં શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી ભાગ પડાવે તો સરવાળે ભાજપને જ ફાયદો થાય તેવા અનુમાનો થઇ રહ્યા છે. આમ છતા આ અનુમાનો અને અટકળો હજુ વહેલા ગણી શકાય. પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં બાપુ કેટલુ જોર કરે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.
જો કે પાર્ટીનો કોઇ ધર્મ હોતો નથી તેવું જણાવીને પોતાની નવી પાર્ટી ક્ષત્રીય સમાજ પુરતી સિમિત નહીં હોવાની અને ‘બી’ ટીમ ‘સી’ ટીમની વાતો કાલ્પનીક હોવાની શંકરસિંહ બાપુએ અત્યારથી જ સ્પષ્ટતા કરી દીધી છે.
ગઇકાલે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષના પરિચય અને પાર્ટીના આગામી દિવસોના કાર્યક્રમથી પરિચિત કરાવવા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વર્તમાન અધ્યક્ષ ડો.રાજેન્દ્રસિંહજી રાઠોડ દ્વારા અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રેસ કોન્ફન્સમાં શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટીની જરુર કેમ પડી તે અંગે પણ જણાવ્યું હતુ તેમણે જણાવ્યું કે, 2020થી પાર્ટી છે. તેમજ આગામી દિવસોમાં તેમની શું રણનિતી રહેશે તે અંગે પણ માહિતી આપી હતી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ કે રાજેન્દ્રસિંહજી રાઠોડને તેમને આ જવાબદારી સંભાળવા માટે મનાવ્યા હતા. જિલ્લા પંચાયતોની ચૂંટણી પહેલા અમે આ જાહેરાત કરી છે કે, તેઓ આ પાર્ટીની જવાબદારી સંભાળશે. ગાધીનગરમાં 22 તારીખે બધા કાર્યકર્તાઓને બોલાવીને નવા કાર્યાલયનું ઉદઘાટન ગાંધીનગરના અડાલજમાં થશે.
ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો તે વાત માત્ર માન્યતા: બાપુ
શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બી ટીમ સી ટીમની વાત કાલ્પનિક વાત છે. ગુજરાતમાં આજ કાલ તો, જે ગુંડા હોય, દુષ્કર્મી હોય, બદમાશ હોય , પોન્ઝી સ્કીમ વાળા હોય ભાજપનો ખેસ પહેરો અને પવિત્ર થઈ જાવ, અસમાજિક તત્વોને સરકારનું પ્રોટેક્શન મળી રહ્યુ છે. લોકો મરે તેનો અવાજ કોણ ઉઠાવશે તેનો અવાજ અમે ઉઠાવીશું. આવનારી ચૂંટણીઓમાં પરિવર્તન આવે, એટલા માટે આ પાર્ટી તન મન ધનથી કામ કરશે. વધુમાં તેમણે નવી પાર્ટી માત્ર ક્ષત્રિયો પુરતી રહેશે તે અંગે જણાવ્યુ કે, પાર્ટી કોઈ ધર્મની ના હોય. વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મે ભાજપ ત્યારે છોડી જ્યારે તેનો સૂર્ય મધ્યાહને હતો. કોંગ્રેસ છોડી ત્યારે પણ સરકાર બનવાની શક્યાતાઓ હતી. ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો એવી માત્ર માન્યતા છે. દિલ્લીમાં15 વર્ષ કોંગ્રેસનું શાસન હતું છતાં કેજરીવાલનો ઉદય થયો.