બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન: ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાયા
’છોટીકાશી’ કહેવાતા જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૃપ મહંતસ્વામીની પ્રેરણાથી અંબર ચાર રસ્તા તથા વિભાપર-ગુલાબનગર વિસ્તારમાં બે મંદિર નિર્માણ કરી પૂ. મહંત સ્વામી મહારાજ પૂજિત મૂર્તિઓનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાપૂર્વક યોજાયો હતો. બીએપીએસના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞેશ્વરસ્વામીના વરદ હસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ધર્મોત્સવને અનુલક્ષીને વિભાપરમાં શ્રીમદ્ ભાગવત પારાયણનું આયોજન થયું હતું. અ.નિ.મણિબેન ગોવિંદભાઈ પણસારાની સ્મૃતિમાં ગોવિંદભાઈ નરસીભાઈ પણસારા પરિવારના યજમાન પદે આયોજીત આ કથામાં પૂ. જનમંગલ સ્વામીએ કથામૃત વહાવ્યું હતું. વિભાપરમાં જ.બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર બાજુમાં પ્રગતિ પાર્ક પાછળ વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. ગત રવિવાર તથા સોમવારે અંબર ચાર રસ્તા તથા વિભાપર ગુલાબનગરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોકત રીતે સંપન્ન થઈ હતી. રવિવારે સાંજે જ ખંભાળીયા હાઈ-વે પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મૂર્તિ પ્રતિષ્ઠા સભા યોજાઈ હતી. આમ બહુવિધ ધર્મકાર્યો સાથે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.