બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતીનું QR કોડ સાથેનું બેનર ફરજિયાત
બ્રેક ગ્રાઉન્ડ સફેદ-પીળા અને રેરા રજિસ્ટ્રેશન તથા બેંક એકાઉન્ટની વિગત લાલ રંગથી લખવી ફરજિયાત
રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી મિલકત ખરીદવા માંગતો હોય તો બાંધકામ સાઈટના પ્રોજેક્ટની માહિતી ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની વેબસાઈટ પરથી મેળવવી પડે છે. મકાન કે દુકાન સહિતની મિલકત ખરીદવા આવનાર નાગરિકોને પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે તેના માટે હવે ફરજિયાત દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર- બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે. જો કોઈપણ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. આજે 1 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
કોઇપણ પ્રોજેક્ટના એલોટી કે સંભવિત ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધી માહિતી રેરાની વેબસાઈટ પર ફક્ત પ્રોજેક્ટનો રેરા રજીસ્ટ્રેશન નંબર મારફતે ઉપલબ્ધ થાય છે. નાગરિકો આ કાર્યપદ્ધતિથી અજાણ હોય છે અને પરિણામે તેઓને ચોક્કસ માહિતી મળી શકતી નથી. જાહેર જનતાને પ્રોજેક્ટને લગતી વિગતો, જેવી કે, રેરા રજીસ્ટ્રેશનની વિગતો, પ્રોજેક્ટના બાંધકામની વિગતો. પ્રોજેક્ટના સ્પેસીફીકેશન, એમેનીટીઝની વિગતો, રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો તથા પ્રોજેક્ટ લોનની વિગતો પ્રોજેક્ટના સ્થળે જ સહેલાઇથી ઊપલબ્ધ થાય તેના માટે પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ, બેનર લગાવવા RERA દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
રાજયમાં રેરા રજિસ્ટર્ડ તમામ કાર્યરત પ્રોજેક્ટ માટે, ધ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (જનરલ) રેગ્યુલેશન્સ 2017ના રેગ્યુલેશન-5માં દર્શાવેલા દસ્તાવેજો જેવા કે જવાબદાર તંત્ર પાસે મંજૂર કરાવવામાં આવેલા પ્લાન અને તેનો લેઆઉટ સહિતની વિગતો બોર્ડ અથવા બેનર તેમજ ડિસ્પ્લે મારફતે પ્રોજેક્ટના સાઈડ પર લગાવવાની રહેશે. બોર્ડ અથવા બેનરની લઘુત્તમ પહોળાઇ 1.20મી. તથા લઘુત્તમ ઉંચાઈ 2 મી. રાખવાની રહેશે. પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઇ શકાય તે રીતે, જમીનથી 1.50મી. થી 2 મી. ઉંચાઇએ મુકવાનું રહેશે.
વોટરપ્રૂફ મટીરીયલના રાખવાના રહેશે અને તેનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું રાખવાનું રહેશે. બેનરમાં દર્શાવેલી વિગતોના અક્ષરની લઘુત્તમ ઉંચાઈ 2.50 સે.મી. રાખવાની રહેશે અને અક્ષરના રંગ નમૂનામાં દર્શાવ્યા અનુસાર જ રાખવાના રહેશે. રેરા રજીસ્ટ્રેશન નંબર તથા પ્રોજેક્ટના રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાના રહેશે. QR કોડ લઘુત્તમ 15 સે.મી. ડ 15 સે.મી. નો તથા મોબાઇલ ફોન વડે સરળતાથી સ્કેન કરી શકાય તેવી રીતે સ્પષ્ટ દર્શાવવાનો રહેશે.
દર 3 મહિને રિપોર્ટ અપલોડ કરવાનો
પ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલ બોર્ડ / બેનર/ હોર્ડીંગ / ડીજીટલ ડીસ્પ્લેનો ફોટોગ્રાફ, આ હુકમ પ્રસિદ્ધ થયા બાદ, ભરવાના થતાં તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (OPR) મા અચૂક રજૂ (Upload) કરવાનો રહેશે. આ ફોટોગ્રાફ જિયો ટેગ વાળો ફોટો હોવો જરૂૂરી છે અને ફોટોગ્રાફમા Latitude અને Longitude દર્શાવેલ હોવા જરૂૂરી છે. આ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જનાર ડેવલોપર કે બિલ્ડરને દંડ ફટકારવામાં આવશે. જે પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એન્ડ કમ્પલાયન્સ (QE) રેરા ઓથોરીટીની વેબસાઈટ ઉપર અપલોડ કરી દેવામાં આવેલુ છે અને જેનું વેરીફીકેશન થઇ ચૂકેલ છે. તેવા પ્રોજેક્ટ માટે ઉપર દર્શાવ્યા મુજબ બોર્ડ / બેનર/હોડીંગ / ડીજીટલ ડીસ્પ્લે પ્રસિદ્ધ કરવાની જરૂૂરત રહેશે નહીં.