તમાકુ-ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો
સંગ્રહ-વેચાણ-વિતરણ ઉપર પ્રતિબંધ યથાવત
રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવા માટે આ પ્રતિબંધ આગામી તારીખ સુધી લંબાવવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે તેને વધુ એક વર્ષ માટે 13 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને રેગ્યુલેશન્સ-2011 હેઠળ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોઈપણ ખોરાકમાં તમાકુ અથવા નિકોટિન ઉમેરવા પર પ્રતિબંધ છે. ગુટખામાં તમાકુ કે નિકોટીન હોવાના કારણે માનવ સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. તેથી નાગરિકો અને ભાવિ પેઢીના આરોગ્યની જાળવણી માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂૂરી હોવાનું નક્કી કરાયું છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.