તરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતા
મોદક સ્પર્ધામાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો, ભારે રસાકસી જોવા મળેલ
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી લાડુ સ્પર્ધામાં રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 30 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. રમત-ગમત વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સ્પર્ધકોએ બેસનના ખાંડવાળા લાડુ દાળ સાથે ખાવાના હતા. પહેલી 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો 15 લાડુ ખાઈને બહાર થઈ ગયા હતા. અંતિમ તબક્કામાં ત્રણ સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. જૂનાગઢના ચંદુભાઈ જાડેજા 29 લાડુ સાથે બીજા ક્રમે રહ્યા હતા. ગત વર્ષના ચેમ્પિયન ચોટીલાના મોકાસણ ગામના માવજીભાઈ કોળીપટેલ 28 લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ગત વર્ષે તેમણે 35 લાડુ ખાધા હતા.
વિજેતા બળવંતભાઈ રાઘવાણીને રૂૂ. 2,000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઝાલાવાડના લોકોમાં આ લાડુ સ્પર્ધા માટે વિશેષ આકર્ષણ જોવા મળે છે.