વીંછિયા પોલીસ ઉપર હુમલો કરવાના ફરજ રુકાવટના કેસમાં 70 આરોપીના જામીન મંજૂર
ચકચારી હત્યા કેસમાં આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ સાથે ટોળાંએ પથ્થરમારો કરતા પોલીસકર્મીઓને ઇજા પહોંચી’તી
વિછિંયામા થોરીયાળી ગામના યુવકની હત્યાના રાજયભરમા ઘેરા પડઘા પડયા હતા. ચકચારી હત્યા કેસમા આરોપીઓનુ સરઘસ કાઢવાની માગ સાથે કોળી સમાજના લોકો એકત્રીત થતા ઉશ્કેરાયા હતા અને વિછિંયા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો જેમા પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી. જે ફરજ રૂકાવટના ગુનામા સંડોવાયેલા 70 જેટલા આરોપીઓને જેલ મુકત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વિછિંયાના થોરીયાળી ગામે રહેતા ઘનશ્યામભાઇ રાજપરાએ લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી જેનો ખાર રાખી 4 શખ્સોએ ઘનશ્યામભાઇ રાજપરા વિછિંયામા હતા ત્યારે કુહાડી અને લાકડીના ઘા ઝીકી હત્યા કરી હતી. જે ચકચારી હત્યા કેસમા સંડોવાયેલા આરોપીઓનુ સરઘસ કાઢવાની માગ સાથે વિછિંયા પોલીસ સ્ટેશન ખાતે કોળી સમાજ એકત્રીત થયો હતો. જે દરમ્યાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો જેમા પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. જે અંગે 80 જેટલા લોકો વિરૂધ્ધ પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામા સંડોવાયેલા 70 જેટલા આરોપીઓએ પોતપોતાના વકીલ મારફતે રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટમા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા પર આવતા કોર્ટે બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામા આવેલી દલીલ અને ટાકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ કોર્ટે 70 આરોપીઓને જામીન મુકત કરતો હુકમ કર્યો છે.
આ કેસમા આરોપીઓના બચાવ પક્ષે રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, વિરલ ચૌહાણ, કેવીન ભંડેરી, યોગેશ જાદવ, મદનીશ અભય ચાવડા, વિશાલ રોજાસરા, વલ્લભભાઇ રંગપરા, ભરતભાઇ ધરજીયા, દિપક ત્રીવેદી, ઋષિત પટેલ અને હાર્દિક ડોડીયા રોકાયા હતા.