વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કસની લહાણી
- કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પ્રશ્ર્નોમાં છબરડો થતા ગુણની લહાણી : ભાષાના છાત્રોને અપાયા બે ગુણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરે તે પહેલા જ ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 2 ગુણ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણ મળી જશે. કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વિષયના પ્રશ્નપત્રમાં પ્રશ્નોમાં ભૂલ હોવાને લીધે તેના ગુણ આપવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત 3 પ્રશ્નોના વિકલ્પમાં પણ એકને બદલે બે વિકલ્પ સાચા હોવાનું જણાતા બે પૈકી ગમે તે વિકલ્પ લખનારને ગુણ મળશે. બોર્ડ દ્વારા સાયન્સના મુખ્ય ચાર વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ આન્સર કીને લઈને રજૂઆત હોય તો પણ 30 માર્ચ સુધી રજૂઆત કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન ધોરણ-12 સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ધોરણ- 12 સાયન્સમાં ગણિત, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષયની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો પાસે પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરાવવામાં આવી છે. આ આન્સર કી બોર્ડ દ્વારા વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે અને તેને લઈને કોઈને પણ રજૂઆત હોય તો 30 માર્ચ સુધી પુરાવા સાથે રજૂઆત કરી શકે છે. રજૂઆત માત્ર ઈ-મેઈલ દ્વારા સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ રૂૂ. 500 ફી ભરવાની રહેશે. જો રજૂઆત સાચી ઠરશે તો પ્રશ્નની ફી પરત કરવામાં આવશે.
ધોરણ-12 સાયન્સમાં ગણિત વિષયમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં કોઈ પણ પ્રશ્નમાં ભૂલ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેમેસ્ટ્રી વિષયના ગુજરાતી અને હિન્દી માધ્યમમાં બે પ્રશ્નોમાં એકને બદલે બે વિકલ્પ સાચા હોવાનું જણાયું છે. જેથી બે પૈકી ગમે તે વિકલ્પ લખ્યો હશે તેને ગુણ આપવામાં આવશે જ્યારે એક પ્રશ્નમાં ભૂલ હોવાના લીધે તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનું નક્કી કરાયું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં બે પ્રશ્નોમાં એકને બદલે બે વિકલ્પ સાચા હોવાથી બે પૈકી જે પણ વિકલ્પ લખ્યો હશે તેને ગુણ મળશે. જ્યારે બે પ્રશ્નોમાં ભૂલ હોવાથી આ બે પ્રશ્નો માટે તમામ વિદ્યાર્થીઓને 2 ગુણ મળશે. જ્યારે ફિઝિક્સ વિષયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાનું સામે આવતા આભૂલ બદલ તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રશ્નને બાદ કરતા અન્ય કોઈ પ્રશ્નમાં ભૂલ ન હોવાનું જાણવા મળે છે. બાયોલોજીમાં ગુજરાતી અને હિન્દી માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાથી બે પૈકી જે પણ વિકલ્પ લખ્યો હશે તેના ગુણ આપવામાં આવશે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં પણ એક પ્રશ્નના બે વિકલ્પ સાચા હોવાથી બંનેમાંથી જે પણ વિકલ્પ લખ્યો હશે તેના ગુણ મળશે.