ચોટીલા હાઈવે પર યુવક પર કાર ચડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ
ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસ પાસે અગાઉના ઝઘડા બાબતે એક શખ્સ ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી કાર અથડાવી શખ્સને જાનથી મારી નાંખવાના ઈરાદે રોંગ સાઈડમાં કાર લાવી કારની અડફેટે લઈ ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ ભોગ બનનાર શખ્સે ચોટીલા પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ફરિયાદી મહેબુબભાઈ ઉસ્માનભાઈ ધોણીયાની શેરીમાં અંદાજે ચાર મહિના પહેલા અવેશભાઈ ઉર્ફે અવલો ઘોણીયા (રહે.રાજકોટ) ડેલી ખખડાવી ગાળો આપી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ફરિયાદીની પત્નિએ અવેશભાઈ વિરૂૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનું મનદુ:ખ રાખી અવેશભાઈએ કારમાં આવી ચોટીલા હાઈવે પર આવેલ ફરિયાદીની ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસે ફરિયાદી ટુ વ્હીલર લઈ જઈ રહ્યાં હતા તે દરમ્યાન પાછળથી કાર અથડાવતા ફરિયાદી નીચે પડી ગયા હતા અને ભાગીને ઓફીસ તરફ જઈ રહ્યાં હતાં.
તે દરમ્યાન ફરી અવેશભાઈએ કાર જાનથી મારી નાંખવાના ઈરાદે ફરિયાદઈ પાછળ દોડાવી ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીને કારની ટક્કર વાગતા ઈજાઓ પહોંચાડી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ચોટીલા પોલીસ મથકે અવેશભાઈ ઉર્ફે અવલો ગનીભાઈ ધોણીયા (રહે.રાજકોટ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.