મને અને મારા પક્ષને બદનામ કરવાનો પ્રયાસ : ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા
છેલ્લા કેટલાંક દિવસોથી જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના શાસકપક્ષના ધારાસભ્યના પુત્ર દ્વારા જિલ્લાના ધ્રોલ ખાતે સરકારી સહાય મેળવી બનાવવામાં આવેલાં ‘મકાન’ સંબંધે ચાલી રહેલાં વિવાદ અંગે ધારાસભ્યએ જાહેર કરેલી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે સંપૂર્ણ આરોપ ને નકારી દીધો છે. કાલાવડના ભાજપ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ અમારા પત્રકાર ને એક પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે, મારાં પુત્ર મોહિતના મકાન સંબંધે જે કથિત વિવાદને હાલ હવા આપવામાં આવી રહી છે તે આખો મામલો મને બદનામ કરવા ઘડી કાઢવામાં આવેલો કારસો છે. આ કથિત વિવાદને તેમણે સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવ્યો છે. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, આ કથિત વિવાદમાં કેટલાંક મીડિયામાં મારાં પુત્ર મોહિત ના મકાનની જે તસવીરો દેખાડવામાં આવી રહી છે તેમાં પાસેપાસે 3 મકાનો દેખાડવામાં આવી રહ્યા છે, આ 3 મકાનો પૈકી 1 જ મકાન મારાં પુત્ર મોહિતનું છે અને અન્ય 2 મકાનો અન્ય આસામીઓના છે.
આ જમીન પણ મારાં પુત્રની માલિકીની છે. સરકારી સહાયમાંથી માત્ર બે જ હપ્તા લીધાં છે અને તે પણ નિયમાનુસાર પ્રાપ્ત કર્યા છે. 2019-20માં જ્યારે આ મકાનની સહાય મંજૂર કરવામાં આવી ત્યારે, હું ધારાસભ્ય પણ ન હતો. હું 2022ના અંતમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયો. આ ઉપરાંત ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, મારી રાજકીય કારકિર્દી હંમેશા સ્વચ્છ રહી છે. મેં એક પણ રૂૂપિયાનો, કયારેય પણ ભ્રષ્ટાચાર નથી કર્યો. મેં હંમેશા ભાજપના કાર્યકર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, પક્ષને હંમેશા વફાદાર રહ્યો છું.
આજીવન છજજ નો કાર્યકર રહ્યો છું. મારી રાજકીય ઉંચાઈ જેમને નાપસંદ છે એવા કેટલાંક લોકો દ્વારા મારી તથા મારા પક્ષની છબી ને ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધારાસભ્યએ વધુમાં કહ્યું હતું કે, મારાં પુત્રએ કશું જ ખોટું નથી કર્યુ તેને નિયમાનુસાર કામગીરીઓ કરી છે. ખુદની કમાણીમાંથી, ખુદની જમીન પર મકાન બનાવ્યું છે તે અપરાધિક બાબત નથી. ધારાસભ્યએ અંતમાં ઉમેર્યુ કે, મારૂૂં અને મારાં પુત્રનું રાશનકાર્ડ અલગ છે. તે અમારાં પરિવારથી અલગ રહે છે. તેના લગ્ન બાદ તેણે પોતાની કમાણીમાંથી અલગ મકાન બનાવ્યું છે, આ મકાન સાથે મારે કોઈ જ સંબંધ નથી. મેં મારી રાજકીય પાટી હંમેશા સ્વચ્છ રાખી છે. કેટલાંક લોકો મને બદનામ કરવા વિવાદ ઉભો કરી રહ્યા છે અને વિવાદને હવા આપી રહ્યા છે.