ચોટીલાના મોટી મોલડીમાં છેડતી મુદ્દે બે કૌટુંબિક ભાઇ ઉપર હુમલો
- ઇજાગ્રસ્ત યુવકની નવરાત્રીમાં છેડતી કર્યાના પ્રકરણમાં સમાધાન થયા બાદ ઝઘડો કરી માર માર્યાનો આરોપ
ચોટીલાના મોટી મોલડી ગામે નવરાત્રીમાં યુવતીની છેડતી કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં સમાધાન થયા બાદ યુવતીના ભાઈ અને પિતરાઈ ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના મોટી મોલડી ગામે રહેતા જીગ્નેશ હમીરભાઈ કાલરીયા (ઉ.વ.23) અને તેનો પિતરાઇ ભાઈ મુકેશ મનસુખભાઈ કાલરીયા (ઉ.વ.29) રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતા ત્યારે દેવા કોળી અને હકા કોળી સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરતા નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત યુવકની બહેનની નવરાત્રીમાં છેડતી કરી હતી જે બાબતે થયેલી તકરારમાં બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું હોવા છતાં યુવતીના ભાઈ અને પિતરાઈ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે નાની મોલડી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.