ટ્રાફિક સિગ્નલ તોડી ભાગેલા રિક્ષાના ચાલકને રોકતા TRB જવાન પર હુમલો
શહેરમાં માધાપર ચોકડી પાસે આજે બપોરના સમયે સિગ્નલ તોડી ભાગી રહેતા રીક્ષાના ચાલકને ટ્રાફીક બ્રિગેડે અટકાવતાં ચાલકે કડા વડે માથામાં માર મારતાંં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવ્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો અનુસાર, જામનગર રોડ પર નાગેશ્ર્વર પાસે મહાવીર રેસીડેન્સી ફલેટ નં.203માં રહેતા ટ્રાફીકબ્રિગેડ પ્રશાંતભાઇ ભરતભાઇ ગોહેલ (ઉ.વ.23) નામનો યુવાન બપોરના સમયે પોતાની ફરજ પર માધાપર ચોકડી પાસે હતો ત્યારે રીક્ષા ચાલક ત્યાંથી ટ્રાફીક સિગ્નલ તોડી ભાગવા જતા તેને અટકાવતા રીક્ષા ચાલક હરી મોહન બાંજાવા ઉશ્કેરાયો હતો અને પ્રશાંત સાથે બોલાચાલી કરી માથામાં કડુ ઝીંકી દેતાં પ્રશાંત લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલે પહોંચી પ્રશાંતનું નિવેદન તેવા તજવીજ શરૂ કરી છે.