બાબરાના નોંઘણવદરમાં મહિલા કર્મીને બિયારણ દેવા ગયેલા રાજકોટના ટ્રાવેલ્સના ધંધાર્થી ઉપર હુમલો
રાજકોટમાં રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી બાબરાના નોઘણવદર ગામે રહેતી મહિલા કર્મચારીની વાડીએ બિયારણ દેવા ગયા હતા ત્યારે એક શખ્સે પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. મહિલા કર્મી અને હુમલાખોર વચ્ચે ચાલતા ઝઘડામાં વચ્ચે પડતા માર માર્યો હોવાનો ટ્રાવેલ્સના ધંધાર્થીએ આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં હરિઘવા રોડ ઉપર આવેલી અયોધ્યા સોસાયટીમાં રહેતા હસુભાઈ પરસોતમભાઈ પીપળીયા નામના 55 વર્ષના આધેડ બાબરાના નોઘણવદર ગામની સીમમાં આવેલી શોભનાબેનની વાડીએ હતા ત્યારે પ્રતાપ નામના શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં હસુભાઈ પીપળીયા રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર સુરજ ટુર એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો કરે છે. અને શોભનાબેન છેલ્લા દસ વર્ષથી ટૂરમાં સાથે રસોઈનું કામ કરે છે હસુભાઈ પીપળીયા મહિલા કર્મચારી શોભનાબેનને બિયારણ અને દવા દેવા માટે ગયા હતા. ત્યારે પ્રતાપ નામના શખ્સે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે હુમલામાં ઘવાયેલા હસુભાઈ પીપળીયાએ આક્ષેપ કર્યો છે કે મહિલા કર્મચારી શોભનાબેન અને હુમલાખોર પ્રતાપ વચ્ચે ઝઘડો થયો હતો જેથી બંનેને છોડાવા હસુભાઈ વચ્ચે પડતા તેમને પાઇપ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.