મીઠાપુર નજીક અગાઉના ઝઘડાનો ખાર રાખી પૂર્વ સરપંચ પર હુમલો
દ્વારકામાં યુવાનને નજીવી બાબતે ચાર શખ્સોએ માર મારી આપી ધમકી
મીઠાપુર નજીક આવેલા ગોરીયાળી ગામના વાડી વિસ્તારમાં રહેતા વનરાજભા કચરાભા માણેક નામના 36 વર્ષના હિન્દુ વાઘેર યુવાન આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ગોરીયાળી ગામના સરપંચ હતા, ત્યારે મૂળવેલ ગામના રાજેશભા ગભાભા માણેક નામના શખ્સ સાથે તેમને બોલાચાલી થઈ હતી. આ અંગેનો ખાર રાખીને શુક્રવારે આરોપી રાજેશભા માણેક સાથે અન્ય એક આરોપી રાજપરા ગામના જાલુભા થોર્યાભા માણેકએ બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.જ્યારે બીજા બનાવમાં, દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા લકી લક્ષ્મણભાઈ કેર નામના 24 વર્ષના યુવાનની બહેન આજથી આશરે એક માસ પૂર્વે આરોપી એવા પ્રદીપભા સાજણભા માણેક (રહે. કૃષ્ણનગર, મીઠાપુર) સાથે જતી રહી હતી. ત્યાર બાદ ફરિયાદી લકીભાઈ તથા તેના ઘરના સભ્યો તેની બહેનને પ્રદીપના ઘરે મળવા ગયા હતા.
અહીં લકીભાઈની બહેનને પોતાના ઘરે આવવું હોવાથી તેઓ પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. જે બાબતનું મનદુ:ખ રાખીને આરોપીઓ પ્રદીપભા સાજણભા, પરબતભા નવઘણભા (રહે. વસઈ) તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી લકીભાઈના ઘર પાસે આવીને આરોપી પ્રદીપએ છરી બતાવી, આરોપી પરબતે હાથમાં પહેરેલા કડા વડે મારીને તેમને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે મીઠાપુર પોલીસે બે અજાણ્યા સહિત તમામ ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.