પડધરીના જીવાપર ગામની સીમમાં ખેડૂત અને મજૂર ઉપર હુમલો
જામનગરના ભાંગડા ગામે રહેતા અને પડધરીમાં ખેતીની જમીન ધરાવતાં ખેડૂત અને તેના મજુર ઉપર પડધરી ગામના પિતા-પુત્ર સહિત શખ્સોએ હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.
જામનગરના ભાંગડા ગામના વતની રાજેશ નાનજીભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પડધરીના ટીનુભા તેમજ ભોલો કોળી, ટીનુભાનો પુત્ર અને અજાણ્યા ત્રણ એમ કુલ છ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાજેશભાઈને પડધરીના જીવાપર ગામની સીમમાં જમીન આવેલી હોય જેમાં તે ખેતી કરે છે. ગઈકાલે સાંજે તે પોતાના વાડીના મજુર ભોપાલના જગદીશ ભારસિં દેવા સાથે બાઈક લઈને દૂધ લેવા જતાં હતાં ત્યારે જીવાપર ગામની સીમમાં ટીનુભા અને અન્ય બે શખ્સો ત્યાં રસ્તામાં બાવડની કાંટાળી ડાળી નાખીને ઉભા હોય તે હટાવી લેવાનું કહેતા ઝઘડો કરી ટીનુભાએ લાકડી વડે હુમલો કર્યો હતો.
રાજેશભાઈ પોતાના મજુર સાથે ત્યાંથી પોતાનું બાઈક લઈને આગળ ગયા ત્યારે પીઠડીયા ગામ પાસે ભોલો કોળી અને ટીનુભાનો પુત્ર સહિતના ત્રણેક શખ્સોએ રસ્તામાં રાજેશભાઈ અને તેના મજુર જગદીશને રોકી કુહાડી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત રાજેશભાઈને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદમાં રાજેશભાઈએ બનાવ વખતે તેમના ખીસ્સામાં છ હજાર રૂપિયા હતાં તે પણ જોવા નહીં મળ્યાનું જણાવ્યું છે.