નવાગામ-આણંદપુર રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
વડોદરામાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજકોટ જિલ્લાનું તંત્ર સક્રિય થયું છે. જિલ્લાના તમામ બ્રિજોની તાત્કાલિક ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં ત્રણ જેટલા બ્રિજો જર્જરિત હોવાનું સામે આવ્યું છે.આ પૈકી, નવાગામ-આણંદપર ખાતે આવેલો રાજાશાહી વખતના બ્રિજ પર તાત્કાલિક અસરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આ બ્રિજના તાત્કાલિક સમારકામ માટેના આદેશો પણ આપ્યા છે.મળતી વિગતો અનુસાર, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી મહેક જૈન સહિતના અધિકારીઓએ નવાગામ-આણંદપર ખાતેના આ રાજાશાહી વખતના બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. બ્રિજની જર્જરિત સ્થિતિ જોતા તેમણે તાત્કાલિક ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો અને સમારકામ અંગેની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, કલેક્ટર દ્વારા નવા બ્રિજ અંગેની કાર્યવાહી પણ તાત્કાલિક શરૂૂ કરવા અને ટ્રાફિક ડાયવર્ટ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી.