કલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લખમણભાઈ હીરાભાઈ કાગડીયા નામના 45 વર્ષના યુવાનને રાવલ નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને લખમણભાઈ કાગડીયા દ્વારા રોડ બનાવવા માટેનું વર્ક ઓર્ડર પ્રમાણેનું કામ શરૂૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગત તા. 4 ના રોજ રાવલના ભુતનાથ મહાદેવ મંદિર નજીક આવેલા આરોપી એવા રાવલ ગામના રામશી રણમલ બારીયાએ કોઈ કારણોસર તેમની સાથે બોલાચાલી કરી અને બિભત્સ ગાળો ભાંડી હતી.
એટલું જ નહીં, આરોપીએ ફરિયાદી લખમણભાઈને ફડાકા ઝીંકીને ત્યાર બાદ અન્ય કોઈ વ્યક્તિઓને આ સ્થળે બોલાવ્યા હતા. જેથી અહીં ધસી આવેલા સુકા રામશી બારીયા, લખુભાઈ પરમાર અને ગીતાબેન લખુભાઈ પરમારએ પણ આવીને લખમણભાઈ સાથે મારામારી કરી હતી.આ ઉપરાંત અન્ય આરોપીઓ હીરા રણમલભાઈ બારીયા અને દિનેશ રાજુભાઈ ગામીએ પણ તેમને ફડાકા ઝીંકી દેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. આટલું જ નહીં, અન્ય એક આરોપી એવા હમીર રણમલ બારીયાએ પણ ફોનમાં ફરિયાદી લખમણભાઈ કાગડીયાને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મહિલા સહિત તમામ સાત આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હૂમલો
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અજુભાઈ નારણભાઈ લુણા નામના 28 વર્ષના ગઢવી યુવાન સાથે જુના મનદુ:ખનો ખાર રાખીને આ જ ગામને હરજુગ રાણાભાઈ લુણા અને વિપુલ નામના બે શખ્સોએ લાકડાના બેટ વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
બોગસ તબીબ
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના બસ સ્ટેશન પાસેથી પોલીસે વિનોદ નાથાભાઈ વાડોલીયા (ઉ. વ. 48, રહે. ગોકુલ સોસાયટી- ખંભાળિયા) ને તેમજ તાલુકાના વાડીનાર ગામેથી મૂળ બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના વતની એવા મન્ટુ અર્જુનરામ ચંદ્રવંશી (ઉ.વ. 35) ને માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા પોલીસે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.