જસદણ કોર્ટે મુદતે ગયેલા મોટાદડવાના બે ભાઈઓ ઉપર ચાર શખ્સોનો હુમલો
આટકોટ ગોંડલ હાઈવે પર મોટાદડવાના બે પિતરાઈ ભાઈઓ ઉપર ફીલ્મી ઢબે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જસદણ કોર્ટ મુદતે ગયેલા બે પિતરાઈ ભાઈઓ ઉપર કોર્ટ કેસ બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે આ અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બન્ને બાઈઓ મોટર સાઈકર પર જતાં હતાં ત્યારે આ હુમલાખોરોએ કારની ટક્કરે મોટર સાઈકલને પછાડી દઈ બાદમાં હુમલો કર્યો હતો.
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે રહેતા અને ખેતી કામ કરતાં નારણભાઈ ઘોઘાભાઈ મેવાડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટનાં વિરમ ગેલાભાઈ ગમારા અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, નારણભાઈ તથા તેના કાકાના પુત્ર મનોજ બન્ને ગઈકાલે જસદણ કોર્ટ મુદતે ગયા હોય અને કોર્ટ મુદત પૂર્ણ કરી મોટર સાઈકલ નં.જી.જે. 3 એચએસ 1315 લઈને કોર્ટથી ઘરે જવા નીકળ્યા હતાં ત્યારે આટકોટ ગોંડલ ચોકડીથી આગળ વિરમ ગેલા ગમારાએ પોતાની સફેદ કલરની બ્રીઝા લઈને આવ્યો હતો અને નારણભાઈના મોટર સાઈકલને ટક્કર મારતાં બન્ને ભાઈઓ મોટર સાઈકલ ઉપરથી નીચે પડી ગયા હતાં. બ્રીઝા કારમાંથી ઉતરેલા વિરમ તથા તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સોએ બન્ને ભાઈઓ ઉપર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો અને ભાગી ગયા હતાં. ઈજાગ્રસ્ત બન્ને ભાઈઓએ પોતાના ફૈબાના પુત્ર લાલજી સુસરાને જાણ કરતાં બન્નેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેમાં હુમલાનું કારણ અગાઉ રાજકોટનાં વિરમ સાથે થયેલી માથાકુટમાં હાલ કેસ ચાલતો હોય આ કેસનો ખાર રાખી કોર્ટ મુદતેથી ઘરે જતાં નારણભાઈ અને તેના પિતરાઈ ભાઈ મનોજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.