આટકોટની પટેલ ક્ધયા છાત્રાલયના વૃદ્ધ સંચાલકે ઝેરી દવા પી લેતા ભારે ખળભળાટ
યુવતીના શારીરિક શોષણની અરજી બાદ ભરેલુ પગલું, સંસ્થા ઉપર વર્ચસ્વની લડાઇમાં હરીફ જૂથે અરજી કરાવી?
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ પટેલ ક્ધયા છાત્રાલયનું સંચાલન સંભાળતા પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી અરજણભાઇ રામાણી (ઉ.72)એ ગઇકાલે બપોરબાદ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આ ઘટનાથી પટેલ સમાજમાં ભારે ચર્ચા સાથે ખળભળાટ મચી જવા પામેલ છે અને મોઢા તેટલી વાતો ચર્ચાય છે પરંતુ બદનામીના ભયે 75 વર્ષના અરજણભાઇ રામાણીએ ઝેરી દવા પી લીધાનું બહાર આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ એક વિદ્યાર્થીનીને ભાજપના એક અગ્રણીએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતિની સગાઇ તોડી નખાવતા મામલો સળગ્યો છે અને વાત બળાત્કારની ફરીયાદ સુધી પહોંચી છે. આ સમગ્ર પ્રકરણમાં છાત્રાલયનું વર્ષોથી નિષ્ઠાપુર્વક સંચાલન કરતા 72 વર્ષના અરજણભાઇ રામાણીનું નામ પણ ઉછાળવામાં આવતા તેમણે જાતિ જીંદગીએ બદનામીના ડરથી ઝેરી દવા પી લીધાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ અગાઉ છાત્રાલયમાં રહેતી એક યુવતીએ પોલીસમાં અરજી આપી છે તેમાં સંસ્થા સાથે જ સંકળાયેલા ભાજપના નેતાએ પોતાને પ્રેમજાળમાં ફસાવી શોષણ કર્યાનો તથા પોતાની સગાઇ તોડાવી નાખ્યાનો આક્ષેપ કર્યો છે. આ અરજીમાં પરેશ નામના આ આગેવાન સાથે ભાજપના અન્ય આગેવાન મધુ અને અરજણભાઇના નામ પણ આપવામાં આવ્યા છે.
જો કે, બીજી એક એવી પણ ચર્ચા છે કે, આ સંસ્થા ઉપર વર્ચસ્વ જમાવવા માટે છેલ્લા કેટલાક સમયથી બે જુથ વચ્ચે ચાલી રહેલી લડાઇ હવે ચારિત્રય હનન સુધી પહોંચી ગઇ છે. આ અરજી પાછળ પણ સંસ્થાનો આંતરીક જુથવાદ જ કારણભુત ગણાવાય છે. આ જુથે મીડીયા મારફત બદનામી શરૂ કરાવતા વૃધ્ધ ટ્રસ્ટીએ ઝેરી દવા પી લીધાનું કહેવાય છે. હાલ અરજણભાઇ બેભાન છે પરંતુ ભાનમાં આવ્યે કેટલાક ચોંકાવનારા ધડાકા કરે તેવી શકયતા છે.