દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત, હાઈકોર્ટે વધુ એક મહિના માટે જામીન લંબાવ્યા
સુરતની યુવતી સાથેના દુષ્કર્મકેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને તબીબી કારણોસર 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઈકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ રાખ્યા હતા. જોકે, ફરીથી જામીન લંબાવવાને લઈને કરેલી અરજી અંગે હાઈકોર્ટે આસારામના જામીન એક મહિના માટે લંબાવાયા છે.
આસારામ દ્વારા જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એના પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે એક મહિનો જામીન લંબાવ્યા છે. હંગામી જામીન વધારવાની અરજી પર દોઢ કલાક કરતાં વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. આસારામે વધુ 03 મહિના જામીન વધારવા માટે માગ કરી હતી. હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે આ જામીન છેલ્લી વખત એક મહિનાના મંજૂર કર્યા છે.
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.