પ્રતિબંધ હટતાં જ ડુંગળીના ભાવમાં રૂા.150 સુધીનો વધારો
- નિકાસબંધી હટતાં રાજકોટ યાર્ડમાં 20 કિલોનો ભાવ રૂા.311 અને ગોંડલમાં ભાવ રૂા.436એ પહોંચ્યો
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવનાની સાથે જ ભાવમાં ઉછાળો આવ્યો છે. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટતા જ રાજકોટ યાર્ડમાં રૂા.50 અને ગોંડલ યાર્ડમાં રૂા.150 સુધીનો પ્રતિ 20 કિલોએ ભાવ વધારો થતા રૂા.311 થી રૂા.436 સુધીમાં સોદા થયા હતા.
કેન્દ્રના નિર્ણયથી ખેડુતોને રૂા.50 થી લઇને રૂા.150 સુધીનો ભાવ વધારો મળ્યો હતો. રાજકોટ યાર્ડમાં આજે પ્રતિ 20 કિલોએ રૂા.130 થી 311 સુધીમાં સોદા થયા હતા અને ગોંડલયાર્ડમાં રૂા.436એ સોદા થતા ખેડુતોમાં આનંદ છવાયો હતો. રાજકોટ યાર્ડમાં આજે 1800 કવીન્ટલ જેટલી ડુંગળીની આવક થઇ હતી અને આગામી દિવસોમાં આવકના સાથે ભાવમાં પણ વધારો થશે તેવા સંકેત બજારમાંથી મળી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મોટી રાહત મળી છે. ડુંગળીની વિદેશોમાં નિકાસને લઈને કેન્દ્રએ એક વર્ષ અગાઉ રોક લગાવી હતી. હાલ કેન્દ્રએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે ભારત સહિત વૈશ્વિક બજારોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જેને પગલે ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર ત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
નિકાસબંધીના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની હતી અને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને અમરેલી, તળાજા, મહુવા અને ભાવનગરના ખેડૂતોને નિકાસબંધીને કારણે મરણતોલ ફટકા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
લસણમાં બે દિવસમાં 1200 સુધીનો ઘટાડો
લસણના ભાવમાં અચાનક ઘટાડો આવ્યો છે. અને રાજકોટ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં લસણના ભાવમાં રૂા.1200 સુધીનો ઘટાડો થયો છે. રાજકોટ યાર્ડમાં શનિવારે પ્રતિ 20 કિલોના રૂા.2100 થી રૂા.4700 સુધીમાં સોદા થયા હતા. જ્યારે આજે સોમવારે એકાએક ભાવ તળિયે જમા રૂા.1900 થી રૂા.3400માં હરરાજી થઇ હતી ભાવ તળિયે જમા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.