For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટીલે ‘ડોઝ’ આપતાં જ ઈનામદાર અચાનક ‘ઈમાનદાર’ થઈ ગયા

12:06 PM Mar 20, 2024 IST | Bhumika
પાટીલે ‘ડોઝ’ આપતાં જ ઈનામદાર અચાનક ‘ઈમાનદાર’ થઈ ગયા
  • કાર્યકરોના માન-સન્માન અને અવગણનાથી શરૂ થયેલો અસંતોષ મતવિસ્તારના વિકાસકામોની વાત પર આવીને પૂરો થયો
  • રાજીનામાના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત પણ અનેક સવાલો અનઉત્તર

ગુજરાતભરમાં પંદરેક કલાક હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા ઉભો કરનાર સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાત્રે ઈ-મેઈલ ઉપર ધારાસભ્યપદેથઈ રાજીનામું આપ્યા બાદ બપોરે પાછુ ખેંચી લેતા ડ્રામાનો અંત આવ્યો હતો, પરંતુ ભાજપના ધારાસભ્યનો આ ડ્રામા લોકસભાની ચૂંટણી સમયે અનેક પ્રશ્ર્નો છોડી ગયો છે.કાર્યકરો સમક્ષ પોતે રાજીનામું પરત નહીં ખેંચવા મક્કમ હોવાનું જણાવનાર કેતન ઈનામદાર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથેની બેઠક બાદ અચાનક કેમ ઈમાનદાર થઈ ગયા તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાટીલે એવી તે શી ખાતરી આપી કે કેતન ઈનામદાર ટાઢાબોળ થઈ ગયા? તે સવાલ સૌના મનમાં ઉઠી રહ્યો છે.

Advertisement

કેતન ઈનામદારની નારાજગી માત્ર પોતાના મત વિસ્તારના કામો પૂરતી જ હતી તેવી વાત તેમણે કરી છે પરંતુ રાજીનામું પાછુ ખેંચ્યા પહેલા કાર્યકરોના માન-સન્માન, અવગણના સહિતના મુદ્દે ખુલીને બોલ્યા હતા ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે બેઠક બાદ તેઓ અચાનક ‘ઈમાનદાર’ થઈ ગયા હતા અને ચુપચાપ રાજીનામું પાછુ ખેંચી લીધું હતું પાટીલે ત્રીસ મીનીટમાં એવી કઈ દવા કરી કે કેતન ઈનામદારની પીડા દૂર થઈ ગઈ?

ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ગાંધીનગરમાં પક્ષપ્રમુખ સીઆર પાટિલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ તેમણે તેમની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પક્ષે તેમની વાત ધ્યાન પર લીધી છે અને તેમને તેમની વાત પર કાર્યવાહી કરવાનું વચન આપતા તેઓએ રાજીનામુ પરત ખેંચ્યું હતું.કેતન ઈનામદારે રાજીનામુ પરત ખેંચવા સાથે હાલમાં તો ભાજપનો ભડકો શાંત થઈ ગયો છે. પણ ભાજપમાં બીજા પક્ષોના લોકોની જે રીતે ભરતી થઈ રહી છે અને તેમને આવતાની સાથે તાત્કાલિક જે રીતે હોદ્દાઓની લ્હાણી કરવામાં આવી રહી છે તે જોતાં ભવિષ્યમાં પણ ભાજપમાં આ પ્રકારનો અસંતોષ વ્યક્ત થતો જોવા મળી શકે છે. કદાચ ઇનામદાર માની જાય, પરંતુ આગામી સમયમાં પક્ષના બીજા સભ્યો જેમણે વર્ષોના વર્ષો પક્ષની સેવા કરી હોય અને ગઈકાલનો આવેલો બીજા પક્ષના કોઈ વ્યક્તિને સીધા હોદ્દાઓ મળવા મંડે ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો મળે તે કહેવત ચરિતાર્થ થતી હોય તેમ લાગે છે. ઉલ્લેખનીય છે કે કેતન ઈનામદારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષને ઇમેઇલ કરીને મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મારા અંતરાત્માના અવાજને માન પીને હું ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપું છે, જે સ્વીકારવા વિનંતી છે.

Advertisement

તેમના રાજીનામાને લઈને પક્ષમાં અનેક અટકળો સેવાઈ રહી છે. તાજેતરમાં સીઆર પાટિલ તાત્કાલિક દિલ્હી ઉપડ્યા તેની પાછળ બાકી રહેલા ઉમેદવારો સહિત વડોદરા ભાજપનો ઉકળતો ચરૂૂ પણ કારણભૂત હોવાનું મનાય છે. કદાચ ભાજપમાંથી રાજીનામાની શ્રેણીની આ એક શરૂૂઆત પણ હોઈ શકે.

કેતન ઈનામદારે ત્રણ લીટીનું રાજીનામુ લખ્યું હતું. તેમણે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઇ-મેઇલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામુ આપનારા કેતન ઇનામદાર પ્રથમ વિધાનસભ્ય છે. સહકારી ક્ષેત્રના રાજકારણમાં દબદબો ધરાવતા કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં તે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. તેના પછી વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજકારણનો પ્રારંભ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement