મૌલાનાને શરતી જામીન મળતાં જ કચ્છ પોલીસે કબજો લીધો
જૂનાગઢ ખતરો હોવાની અરજી બાદ કોર્ટે મૌલાનાને રાજકોટ જેલમાં મોકલવાનો આદેશ કરતાં કોર્ટમાં હાજર રહેલ કચ્છ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો લઇ સામખિયાળી લઇ ગઈ
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢને બદલે રાજકોટ જેલમાં શા માટે ધકેલાયો તે અંગે અનેકવિધ ચર્ચાઓ શરૂૂ થઇ હતી ત્યારે જૂનાગઢની જેલમાં મૌલાનાને રખાશે તો સુરક્ષાના સવાલો ઊભા થાય તેમ હોય તેવી જૂનાગઢ એલસીબીએ કરેલી અરજીના અનુસંધાને કોર્ટના આદેશ બાદ મૌલાનાને રાજકોટ જેલમાં લઇ જવાયો હતો. રાજકોટ જેલ હવાલે કરાયાની સાથે જ કચ્છ પોલીસે ટ્રાન્સફર વોરંટને આધારે મૌલાનાનો કબજો મેળવી સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે સામખીયાળી લઇ જવાયો હતો. કોઇપણ વ્યક્તિ કોઇ સ્થળે ગુનાહીત પ્રવૃત્તિ આચરે અને પોલીસ તેને કોર્ટમાં રજૂ કરે ત્યારે જો જામીન પર છૂટકારો થાય તો તેને તાત્કાલિક મુક્ત કરી દેવાનો હોય જેલમાં મોકલવાનો ન હોય. મૌલાના સલમાન અઝહરીનો કેસ અતિ સંવેદનશીલ હોવાથી પોલીસ ફૂંકી-ફૂંકીને છાશ પી રહી હતી. બીજી બાજુ મૌલાનાના રિમાન્ડ પૂરા થતા કોર્ટે બુધવારે સાંજે તેના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સાંજના મોડું થઇ ગયું છે એટલે મૌલાનાના જામીન સવારે ભરવામાં આવે આથી તેને જેલહવાલે કરવો.
આ સમયે ત્યાં ઉપસ્થિત જૂનાગઢ એલસીબીના અધિકારીઓએ કોર્ટને અરજી આપી હતી કે, મૌલાનાને જૂનાગઢની જેલમાં રાખવામાં આવશે તો સુરક્ષાના સવાલ ઉપસ્થિત થઇ શકે તેમ છે અને જૂનાગઢની જેલ પણ સંવેદનશીલ વિસ્તારમાં આવેલી છે. આથી મૌલાનાને જૂનાગઢના બદલે રાજકોટની જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવે તેવી વિનંતી છે. આથી કોર્ટે મૌલાનાને રાજકોટ જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.
31, જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરી શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ બાદ ગુજરાત એટીએસે મૌલાનાને ઝડપી લઇ જૂનાગઢ પોલીસ હવાલે કર્યો હતો. જૂનાગઢ પોલીસે પૂછપરછ કર્યા બાદ મૌલાનાને અદાલતમાં રજૂ કરી જૂનાગઢને બદલે સુરક્ષિત એવી રાજકોટ જેલહવાલે કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને અદાલતે માન્ય રાખતા પોલીસના ચુશ્ત બંદોબસ્ત હેઠળ મૌલાનાને બુધવારે રાતે રાજકોટ મધ્યસ્થ જેલ લઇ અવાયો હતો. મૌલાના સામે કચ્છના સામખિયાળી પોલીસમાં પણ ભડકાઉ ભાષણ અંગેનો ગુનો નોંધાયો હોય રાજકોટ જેલ પર કચ્છ પોલીસ પણ હાજર હતી. મૌલાનાને રાજકોટ જેલહવાલે કરાતાની સાથે જ કચ્છ પોલીસે મૌલાનાનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાતે જ સજ્જડ બંદોબસ્ત વચ્ચે સામખિયાળી લઇ જવાયો હતો.