વેપારીને રીવોલ્વર બતાવી ધમકી આપનાર બુકી સહિતની ત્રિપુટીની ધરપકડ
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ગરચરની ટીમે સરભરા કરતાં બુકીનું પેન્ટ ભીનું થઈ ગયું
ત્રિપુટીના 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ
શહેરના સામાકાંઠે પેડક રોડ પર રહેતા ચાંદીના વેપારી અને પૂર્વ મંત્રીના ભાણેજને જુગારના રવાડે ચડાવી રૂા.64.50 લાખ કઢાવવા માટે હવાલો આપનાર મોબાઈલ શોપના વેપારી અને હવાલો લેનાર બે બુકીએ વેપારીને બંદૂક દેખાડી ધમકી આપી હોય જે અંગે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે આ ત્રિપુટીની ધરપકડ કરી હતી અને આજે આ ત્રણેયને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એસ.ગરચરની ટીમે આ ત્રિપુટીની આગવી ઢબે સરભરા કરતાં બુકીનું પેન્ટ ભીનું થઈ ગયું હતું. આ હવાલા કાંડમાં અન્ય કોની કોની સંડોવણી છે ?
તે બાબતે ક્રાઈમ બ્રાંચે વિશેષ તપાસ શરૂ કરી છે.સામાકાંઠે આર્યનગરમાં ખોડીયાર સિલ્વર નામે દુકાન ધરાવતાં પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં કૌટુંબીક ભાણેજ પ્રિન્સ મનોજભાઈ ઠુંમર (ઉ.24)ની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે અમિત માર્ગ પર આઈફોન એરા મોબાઈલ શોપ ચલાવતાં ઉત્તમ અશોક વિરડીયા તથા બે બુકી ન્યુ માયાણીનગર શેરી નં.2 મવડી પ્લોટમાં રહેતા સ્મીત કિશોર સખીયા અને સરદારનગરમાં રહેતા રવિ રમેશભાઈ વેકરીયા સામે ગુનો નોંધ્યો હતો. મોબાઈલ શોપ ધરાવતાં ઉત્તમે નવ મહિના પહેલા પ્રિન્સને કશીનો આઈ.ડી.ડાઉન લોડ કરાવી દીધી હતી અને તેને જુગારના રવાડે ચડાવ્યો હતો. જેમાં પ્રિન્સ 1.37 કરોડ હારી ગયો હતો. જેમાં પ્રિન્સે રૂા.71.50 લાખ ચુકવી દીધા હતાં. બાકીના રૂા.64.50 લાખ પડાવવા માટે શો રૂમ સંચાલક ઉત્તમે રવિ વેકરીયા અને સ્મીત સખીયાને હવાલો આપ્યો હોય આ બન્ને શખ્સોએ પ્રિન્સ અને તેના પિતા મનોજભાઈને મોકાજી સર્કલ પાસે શાશ્ર્વત કોમ્પલેક્ષમાં બોલાવી રિવોલ્વર દેખાડી ધમકી આપી હતી તેમજ અવારનવાર ધાક ધમકી આપી 64.50 લાખ પડાવવા માટેનો કારસો રચ્યો હતો.
આ મામલે અંતે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયા બાદ પીઆઈ એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર અને તેમની ટીમે સ્મીત સખીયા, રવિ વેકરીયા અને ઉત્તમ વીરડીયાને રાતોરાત ઉઠાવી લીધા હતાં અને હવે આ હવાલા કાંડમાં કોની કોની સંડોવણી છે ? તેમજ અન્ય કોઈ ગુનામાં આ ત્રિપુટી સંડોવાયેલી છે કે કેમ ? તે સહિતની તપાસ માટે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા છે. ફિલ્મી ઢબે માફીયાની જેમ હવાલો લઈ પોલીસનો ભય રાખ્યા વગર હથિયાર દેખાડનાર બુકી સહિત ત્રિપુટીની આગવી ઢબે ક્રાઈમ બ્રાંચમાં સરભરા કરવામાં આવતાં બુકીનું પેન્ટ ભીનું થઈ ગયું હતું. છેલ્લા ઘણા વખતથી પોલીસની સરભરા બંધ થયા બાદ ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે પોલીસે વધુ એક વખત આવા ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ સક્ષમ છે તેવું પુરવાર કરી દીધું છે.